આગામી 16 જુલાઈ સુધી અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી
Live TV
-
દેશમાં ચોમાસું ધમાકેદાર, આગામી 16 જુલાઈ સુધી અનેક રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી
દેશભરમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 16 જુલાઈ સુધી દેશના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આકરામાં આકરી આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને પહાડી રાજ્યો અને પૂર્વોત્તર ભારતમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, જેને પગલે સ્થાનિક વહીવટી તંત્રને એલર્ટ મોડ પર રહેવા આદેશ આપવામાં આવ્યા છે.
પહાડી રાજ્યોમાં કુદરતનો પ્રકોપ: એલર્ટ જાહેર
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પહાડી વિસ્તારોમાં સ્થિતિ વધુ વણસી શકે છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં ભારેથી અતિભારે વરસાદની સાથે હવામાન ખરાબ રહેવાની આશંકા છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલન અને ફ્લેશ ફ્લડ જેવી સ્થિતિ સર્જાઈ શકે તેવી ભીતિ હોવાથી પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને સાવચેત રહેવા જણાવાયું છે.
આગામી 3 દિવસ: આ રાજ્યોમાં મુસળધાર વરસાદની આફત
આગામી ત્રણ દિવસમાં બિહાર, ઉત્તર પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળના તરાઈ પ્રદેશ અને સિક્કિમમાં મૂળશધાર વરસાદની આગાહી કરી છે. આ વિસ્તારોમાં નીચાણવાળા ભાગોમાં પાણી ભરાવાની અને નદીઓના જળસ્તરમાં વધારો થવાની શક્યતાને જોતા સ્થાનિક તંત્રને ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન સાથે તૈયાર રહેવા સૂચના અપાઈ છે.
દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં 5 દિવસ ગાજવીજ સાથે વરસાદ
તો આગામી પાંચ દિવસમાં દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, પંજાબ, અરુણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લદ્દાખ અને જમ્મુ અને કાશ્મીરમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. ચોમાસાની આ તીવ્ર સ્થિતિને જોતા હવામાન વિભાગે લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને નદી-નાળા તેમજ જોખમી વિસ્તારોથી દૂર રહેવા અપીલ કરી છે.
