ભારતીય નૌકાદળમાં સામેલ થશે સ્વદેશી સ્વદેશી સ્ટીલ ફ્રિગેટ 'INS મહેન્દ્રગિરી'
Live TV
-
ભારતીય નૌકાદળમાં સામેલ થશે સ્વદેશી સ્વદેશી સ્ટીલ ફ્રિગેટ 'INS મહેન્દ્રગિરી'
હિંદ મહાસાગરમાં ભારતની સમુદ્રી સુરક્ષા અને રણનીતિક તાકાતને મજબૂત કરવાના હેતુથી ભારતીય નૌસેનામાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે. સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજીથી નિર્મિત અદ્યતન સ્ટીલ્થ ફ્રિગેટ 'INS મહેન્દ્રગિરી' આજે ઔપચારિક રીતે નૌકાદળના પૂર્વીય કાફલામાં સામેલ થઈ ગયું છે. વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત એક ભવ્ય કમિશનિંગ સમારોહમાં દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દેશને આ અત્યાધુનિક યુદ્ધપોત સમર્પિત કર્યું હતું.
'પ્રોજેક્ટ 17A' નું છઠ્ઠું શક્તિશાળી યુદ્ધપોત
INS મહેન્દ્રગિરી એ ભારતીય નૌસેનાના મહત્વાકાંક્ષી 'પ્રોજેક્ટ 17A' હેઠળ તૈયાર કરાયેલું છઠ્ઠું આધુનિક યુદ્ધપોત છે. આ વૉરશિપનું ડિઝાઇનિંગ નૌકાદળના જ 'વોરશિપ ડિઝાઇન બ્યુરો' દ્વારા કરવામાં આવ્યું છે અને મુંબઈ સ્થિત મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ (MDL) દ્વારા તેનું સફળતાપૂર્વક નિર્માણ કરાયું છે. 'આત્મનિર્ભર ભારત' અભિયાન હેઠળ આ યુદ્ધપોતમાં ૭૫% થી વધુ સ્વદેશી ઉપકરણો અને સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં દેશના અનેક MSME ઉદ્યોગોએ યોગદાન આપ્યું છે.
એન્ટી-એર અને એન્ટી-સબમરિન યુદ્ધમાં સક્ષમ
પૂર્વીય ઘાટની જાજરમાન પર્વતમાળા પરથી નામ મેળવનાર INS મહેન્દ્રગિરીનું સૂત્ર "Mighty - Majestic - Matchless" છે. આ યુદ્ધપોત આધુનિક સેન્સર્સ, બ્રહ્મોસ મિસાઈલ અને અદ્યતન શસ્ત્રોથી સજ્જ છે જે તેને બહુમુખી ઓપરેશન્સ માટે સક્ષમ બનાવે છે. તે સમુદ્રમાં એકસાથે એન્ટી-એર (આકાશી હુમલા સામે રક્ષણ), એન્ટી-સરફેસ (સમુદ્રી સપાટી પર લડત) અને એન્ટી-સબમરિન (દુશ્મનની સબમરિનને તોડી પાડવા) યુદ્ધ લડવા માટે સંપૂર્ણ સક્ષમ છે.
સ્ટીલ્થ ફીચર્સ: આ વૉરશિપની ખાસ ડિઝાઇનના કારણે તે દુશ્મનના રડારની નજરમાં સરળતાથી આવતું નથી, જેનાથી નૌસેના ગુપ્ત ઓપરેશન્સ ખૂબ જ સરળતાથી પાર પાડી શકશે.
હિંદ મહાસાગરમાં ભારતનો દબદબો વધશે
ચીન અને અન્ય પાડોશી દેશોની સમુદ્રી ગતિવિધિઓ વચ્ચે INS મહેન્દ્રગિરીનું કમિશનિંગ ભારત માટે ખૂબ જ મહત્વનું છે. આ યુદ્ધપોત માત્ર લશ્કરી તાકાત જ નહીં વધારે, પરંતુ હિંદ મહાસાગર અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં આપત્તિ વ્યવસ્થાપન, શોધ અને બચાવ કાર્યો તેમજ સમુદ્રી ચાંચિયાઓ સામે સુરક્ષા પ્રદાન કરવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.
