ઓપરેશન સિંદૂર પર આજે લોકસભામાં 16 કલાકની ચર્ચા, રક્ષામંત્રી રાજનાથ સિંહ કરશે શરૂઆત
Live TV
-
ઓપરેશન સિંદૂર પર આજે લોકસભામાં 16 કલાક ચર્ચા કરવામાં આવશે. રક્ષામંત્રી રાજનાથ સિંહ આ ચર્ચાની શરૂઆત કરશે. વિપક્ષ તરફથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા નેતા અખિલેશ યાદવ ચર્ચામાં સામેલ થશે.
સંસદ સત્ર દરમિયાન લોકસભામાં આજે ઓપરેશન સિંદૂર અંગે 16 કલાકની ચર્ચાની શરૂઆત થશે તો મંગળવારે રાજયસભામાં પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવશે. લોકસભામાં આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આ મુદ્દે ચર્ચાની શરૂઆત કરશે. તો વિપક્ષ તરફથી રાહુલ ગાંધી અને અખિલેશ યાદવ પણ ચર્ચામાં ભાગ લેશે. સમાજવાદી પાર્ટીને ચર્ચા માટે 65 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે , લોકસભા સ્પીકર ઓમ બિરલાની અધ્યક્ષતામાં યોજાયેલી બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજયસભામાં આજે નવા સાંસદોને શપથ લેવડાવવામાં આવશે તેમજ સમુદ્ર દ્વારા માલ પરિવહન અંગેના વિધેયકની ચર્ચાને આગળ ધપાવવામાં આવશે. 23 જુલાઇના રોજ આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું.
પહેલું અઠવાડિયું હંગામાથી ભરપૂર
કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા વ્હીપ મુજબ, સાંસદોએ ફરજિયાતપણે ગૃહમાં હાજર રહેવું પડશે. બિહારમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અને અન્ય મુદ્દાઓ સામે વિપક્ષના વિરોધને કારણે સંસદના ચોમાસુ સત્રના પ્રથમ અઠવાડિયાનો મોટાભાગનો સમય બગાડવામાં આવ્યો હતો. શાસક અને વિપક્ષો સોમવારે લોકસભામાં પહલગામ હુમલો અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ કરવા સંમત થયા છે. જયારે મંગળવારે રાજ્યસભામાં આ ઓપરેશન ચર્ચા કરવામાં આવશે.
ચર્ચામાં ગૃહપ્રધાન અમિત શાહ, વિદેશ પ્રધાન એસ. જયશંકર, ભાજપના નેતા અનુરાગ ઠાકુર અને નિશિકાંત દુબે પણ ભાગ લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા અને રાજ્યસભા બંનેમાં બોલી શકે છે. વિપક્ષ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાઓ પર પણ સરકાર પાસેથી સ્પષ્ટતા માંગે છે, તેથી ચર્ચા દરમિયાન જોરદાર હોબાળો થવાની સંભાવના છે.
જગદીપ ધનખડના રાજીનામું બાદ કાર્યવાહી ખોરવાઈ
લોકસભામાં કામકાજની યાદી અનુસાર, ગૃહમાં 'ઓપરેશન સિંદૂર' પર વિગતવાર ચર્ચા થશે. આ ચર્ચા મહત્વપૂર્ણ છે કારણ કે તે દેશની લશ્કરી કાર્યવાહી સાથે સંબંધિત છે. પહેલા અઠવાડિયામાં જગદીપ ધનખડના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપવાને કારણે કાર્યવાહી ખોરવાઈ ગઈ હતી.
