ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન સમાચારની સંશોધિત વેબસાઈટ લોન્ચ
Live TV
-
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ ઠાકુરે નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા રેડિયો અને દૂરદર્શન સમાચારની સંશોધિત વેબસાઈટ લોન્ચ કરી. આ પ્રસંગે ઠાકુરે જણાવ્યું હતું કે દૂરદર્શન અને ઓલ ઈન્ડિયા રેડિયો વર્ષોથી જાહેર પ્રસારણકર્તા તરીકે સેવાઓ પૂરી પાડે છે. તેમણે કહ્યું કે તેમના નેટવર્ક દ્વારા, બંને જાહેર પ્રસારણકર્તાઓએ સ્થાનિક ભાષાને પ્રોત્સાહન આપ્યું છે અને દેશના ખૂણે ખૂણે તમામ લોકોને માહિતી પૂરી પાડી છે. તેમણે કહ્યું કે પ્રસાર ભારતી હવે વિવિધ ભાષાઓમાં સમાચાર સંસ્થાઓને વિડિયો, ઓડિયો, ફોટો અને વાંચન સામગ્રી પ્રદાન કરવા માટે તૈયાર છે. તેમણે તેને ક્રાંતિકારી પગલું ગણાવ્યું હતું. સાથે જ ઉમેર્યું કે ઓલ ઈન્ડિયા રેડિયો છેલ્લા આઠ દાયકાથી માહિતીના પ્રસારમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. તેમણે કહ્યું કે કોવિડ રોગચાળા દરમિયાન તેની ભૂમિકા મહત્વપૂર્ણ હતી. ન્યૂઝ ઓન એર એપ સરકારી યોજનાઓ વિશે સમાચાર અને માહિતી મેળવવાનું એક શક્તિશાળી માધ્યમ છે.
માહિતી અને પ્રસારણ સચિવ સંજય જાજુએ જણાવ્યું હતું કે અખબારો અને સમાચાર નેટવર્ક હંમેશા બહુવિધ સ્ત્રોતો પર આધાર રાખે છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે પ્રસાર ભારતી શબ્દ, સંશોધિત વેબસાઈટ અને એપ સમાચાર સંસ્થાઓ અને લોકો સુધી માહિતી પહોંચાડવામાં ફાયદાકારક સાબિત થશે.
