કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ભોપાલમાં ગરીબ કલ્યાણ મહા-અભિયાનનો શુભારંભ કરાવ્યો
Live TV
-
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્રારા આજે મધ્યપ્રદેશના ભોપાલમાં ગરીબ કલ્યાણ મહા અભિયાનની શરૂઆત કરવામાં આવી. તેમણે રાજ્યમાં ભાજપ સરકારના 20 વર્ષનું રિપોર્ટ કાર્ડ પણ રજૂ કર્યું હતું.
આ પ્રસંગે તેમના સંબોધનમાં ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, અમે બિમારુ રાજ્યના કલંકમાંથી બહાર આવીને મધ્યપ્રદેશને દેશના સૌથી વિકસિત રાજ્યોમાંનું એક બનાવ્યું છે. તેમણે ભાજપના 20 વર્ષના શાસનને વિકાસનો સુવર્ણકાળ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે અમૃત કાળના આગામી 25 વર્ષમાં અમે મધ્યપ્રદેશને સંપૂર્ણ વિકસિત અને સમૃદ્ધ તેમજ આત્મનિર્ભર રાજ્ય બનાવીશું.
મધ્યપ્રદેશના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કરતાં ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષથી દેશમાં અને રાજ્યમાં ડબલ એન્જિનવાળી સરકાર છે અને તેની અસર રોડ, વીજળી, પાણી સહિતના દરેક ક્ષેત્રોમાં જોવા મળી રહી છે. ભાજપ સરકારે રોડ કનેક્ટિવિટી આઠ ગણી, નેશનલ હાઈવે ત્રણ ગણી અને કૃષિ વિકાસમાં 6.5 ગણો વધારો કર્યો છે. અગાઉની કોંગ્રેસ સરકારો સાથે ભાજપ સરકારના કાર્યકાળની તુલના કરતા કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષમાં 10 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને આઝાદી પછી આ પ્રથમ વખત છે કે 10 ટકા દેશની વસ્તીના લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે.
આ ગરીબ કલ્યાણ મહાઅભિયાનમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ, આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના જેવી તમામ જનકલ્યાણકારી યોજનાઓને આ અભિયાનમાં સામેલ કરવામાં આવી છે.
બીજી તરફ એમપી સરકારની લાડલી લક્ષ્મી યોજના, મુખ્યમંત્રી શીખો કમાઓ યોજના, મુખ્યમંત્રી લાડલી બહના યોજના સહિતની અન્ય યોજનાઓને આ અભિયાન દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવશે.
ગરીબ કલ્યાણ મહાઅભિયાન દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવી રહેલી ગરીબી નાબૂદી યોજનાઓને દરેક ઘર સુધી પહોંચાડવામાં આવશે. નીતિ આયોગના રિપોર્ટ અનુસાર મધ્યપ્રદેશમાં એક કરોડ 36 લાખ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે.
આ દરમિયાન કેન્દ્ર અને મધ્યપ્રદેશ સરકારના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરતી ફિલ્મો પણ દર્શાવવામાં આવી હતી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ વીડી શર્માએ પણ કાર્યક્રમને સંબોધિત કરીને રાજ્ય સરકારની સિદ્ધિઓ પર પ્રકાશ પાડ્યો હતો.
ભોપાલ બાદ ગૃહ મંત્રી ગ્વાલિયરમાં બીજેપી સ્ટેટ વર્કિંગ કમિટીની બેઠકમાં ભાગ લેશે. તેઓ 'સાંસદ કે દિલ મેં મોદી' નામનું સભ્યપદ અભિયાન શરૂ કરશે.
