કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ માર્ગ પરિવહન ક્ષેત્રમાં યોગ્ય નીતિ અને મજબૂત વ્યૂહરચના ઘડવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો પાસેથી સક્રિય સમર્થન માટે અપીલ કરી
Live TV
-
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ માર્ગ પરિવહન ક્ષેત્રના પરિવર્તન માટે યોગ્ય નીતિઓ અને મજબૂત વ્યૂહરચના ઘડવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સક્રિય સમર્થન માટે અપીલ કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન મંત્રીઓની બેઠકને સંબોધતા શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે બેઠક દરમિયાન અનેક નીતિ વિષયક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રોડ ટ્રાફિકને લગતા નિયમોની સમીક્ષા, વાહનોની ફિટનેસ ચકાસવા માટે કેન્દ્રોની સ્થાપના, ઈ-બસ માટે નાણાંકીય વ્યવસ્થા અને ડ્રાઈવિંગ લાઈસન્સ ઈશ્યૂ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવા સંબંધિત મુદ્દાઓનો સમાવેશ થાય છે.
આ બેઠકમાં પંદર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પરિવહન મંત્રીઓએ ભાગ લીધો હતો. આ દરમિયાન, તેમણે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા લેવામાં આવેલી પહેલને સમર્થન અને પ્રશંસા કરી. તેમણે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા લેવામાં આવેલા વિવિધ પગલાઓ પણ સમજાવ્યા અને માર્ગ પરિવહન ક્ષેત્રમાં પરિવર્તન માટેની નીતિઓને વધુ મજબૂત કરવા માટે તેમના સૂચનો આપ્યા. આ બેઠકમાં લર્નર્સ ડ્રાઇવિંગ લાયસન્સ આપવાની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાના મહત્વના મુદ્દા પર પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન, માર્ગ ટ્રાફિકના નિયમો અને જવાબદાર ડ્રાઇવિંગ અંગે જાગૃતિ ફેલાવવા માટે ડ્રાઇવરોને શિક્ષિત કરવા પર ભાર આપવાનું પણ સૂચન કરવામાં આવ્યું હતું.
