ટપાલ વિભાગની મોટી છલાંગ
Live TV
-
ટપાલ વિભાગની મોટી છલાંગ: દેશભરમાં 887 નવા ATM શરૂ, ગ્રામીણ વિસ્તારોમાં બેંકિંગ સેવાઓ થશે વધુ સરળ
ભારતીય ટપાલ વિભાગે દેશભરમાં પોતાના નેટવર્કને વધુ મજબૂત બનાવતા એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (DoT) દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પોસ્ટ વિભાગે દેશના વિવિધ ભાગોમાં 887 નવા ATM કાર્યરત કર્યા છે. આ પગલાથી પોસ્ટલ બેંકિંગ સેવાઓનો વ્યાપ વધશે અને ગ્રાહકોને ઘરઆંગણે આધુનિક સુવિધાઓ મળી રહેશે.
ગ્રાહકોને મળતી મુખ્ય સુવિધાઓ
આ નવા શરૂ કરાયેલા ATM દ્વારા ગ્રાહકો સામાન્ય બેંક ATMની જેમ જ અનેક સુવિધાઓનો લાભ લઈ શકશે, જેમાં મુખ્યત્વે કોઈપણ સમયે સરળતાથી કેશ મેળવી શકાશે, ખાતામાં રહેલી બાકી રકમની તપાસ કરી શકાશે, મિની સ્ટેટમેન્ટ અને અન્ય પ્રાથમિક બેંકિંગ કાર્યો કરી શકાશે.
ગ્રામીણ ભારત માટે આશીર્વાદ સમાન
આ પહેલનો સૌથી મોટો ફાયદો ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં વસતા લોકોને થશે. ઘણીવાર દૂરના ગામડાઓમાં ખાનગી કે સરકારી બેંકોના ATM ઉપલબ્ધ હોતા નથી, જેના કારણે લોકોને રોકડ માટે દૂર સુધી જવું પડતું હોય છે. પોસ્ટ વિભાગના આ વિસ્તરણથી હવે ગામડાના લોકોએ બેંકિંગ સેવાઓ માટે લાંબી મુસાફરી નહીં કરવી પડે.
"આ આધુનિકીકરણનો ઉદ્દેશ્ય દેશના છેલ્લા છેવાડાના માણસ સુધી નાણાકીય સેવાઓ પહોંચાડવાનો અને ડિજિટલ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવાનો છે." — DoT India
આ પગલા સાથે પોસ્ટ વિભાગ માત્ર ટપાલ સેવા પૂરતું મર્યાદિત ન રહીને, દેશના નાણાકીય માળખામાં એક મજબૂત આધારસ્તંભ તરીકે ઉભરી આવ્યું છે.
