ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે ફટકારી સદી, ભારતે બીજા દાવમાં 2 વિકેટે 196 રન બનાવ્યાં
Live TV
-
યશસ્વી જયસ્વાલની શાનદાર સદી અને શુભમન ગિલની શાનદાર અડધી સદીની મદદથી ભારતે ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે મેચ પર પોતાની પકડ મજબૂત કરી. દિવસની રમતના અંતે ભારતે 2 વિકેટે 196 રન બનાવ્યા. શુભમન ગિલ 65 અને કુલદીપ યાદવ 3 રન બનાવીને અણનમ છે. આ સાથે અત્યાર સુધી ભારતની કુલ લીડ 322 રનની થઈ.
બીજા દાવમાં ભારતની શરૂઆત ખરાબ રહી હતી. 30ના કુલ સ્કોર પર કેપ્ટન રોહિત શર્મા 19 રન બનાવીને જો રૂટના બોલ પર LBW આઉટ થયો હતો. આ પછી ગિલ અને જયસ્વાલે બીજી વિકેટ માટે 142 રન જોડ્યા હતા. આ દરમિયાન યશસ્વીએ ઝડપી બેટિંગ કરી પોતાની સદી પૂરી કરી. તેણે જેમ્સ એન્ડરસનની એક જ ઓવરમાં બે ચોગ્ગા અને એક છગ્ગો પણ ફટકાર્યો હતો. જો કે, 172ના કુલ સ્કોર પર તે 104 રન બનાવ્યા બાદ ઈજાગ્રસ્ત થયો હતો.આ દરમિયાન તેણે 133 બોલનો સામનો કર્યો અને 9 ફોર અને 5 સિક્સર ફટકારી.
જયસ્વાલ રિટાયર્ડ હર્ટ થયા બાદ બેટિંગ કરવા આવેલો રજત પાટીદાર ખાતું ખોલાવ્યા વિના જ ટોમ હાર્ટલીનો શિકાર બન્યો હતો. આ પછી કુલદીપ અને ગિલ સાવધાનીપૂર્વક રમ્યા. ગિલ 120 બોલમાં 6 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 65 રન બનાવીને ક્રિઝ પર છે, જ્યારે કુલદીપ યાદવ 3 રન બનાવીને તેનો સાથ આપી રહ્યો છે. ઈંગ્લેન્ડ તરફથી જો રૂટ અને ટોમ હાર્ટલીએ 1-1 વિકેટ લીધી હતી.
