ઈસરોની વધુ એક સફળતા,INSAT-3DSનું શ્રી હરિકોટાથી કર્યું સફળ પ્રક્ષેપણ
Live TV
-
ઇસરોએ GSLV F-14 INSAT-3DS આજે સાંજે 5:35 સમયે શ્રી હરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું.શ્રી હરિકોટાના કંટ્રોલ સેન્ટરમાં પ્રક્ષેપણ પહેલા છેલ્લી ઘડીએ તેની ચકાસણી અને દેખરેખ રાખવામાં આવી હતી.
INSAT-3DS ચોથો હવામાન શાસ્ત્રીય ઉપગ્રહ છે જે દસ વર્ષ સુધી કાર્યરત રહેશે અને આબોહવા પરિવર્તનના ઘણા પાસાઓ પર માહિતી એકત્રિત કરશે. આ ઉપગ્રહ શોધ અને બચાવ કામગીરીમાં પણ મદદ તથા તમામ પ્રકારના હવામાનની સચોટ આગાહી કરશે. આગ, વરસાદ, બરફ કે અન્ય કોઈ આપત્તિજનક પરિસ્થિતિમાં પણ મદદ કરશે. લોકાર્પણ નિહાળવા માટે મુલાકાતીઓની ગેલેરીમાં શાળાના બાળકો અને યુવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.ઉપગ્રહના સફળ પ્રક્ષેપણ બાદ ઈસરોના વડા એસ.સોમનાથ અને ઈસરોના અન્ય વૈજ્ઞાનિકોએ એકબીજાને અભિનંદન પાઠવ્યા હતા. ISROના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું, મને GSLV-F14 INSAT-3DS મિશનની સફળ સિદ્ધિની જાહેરાત કરતાં ખૂબ જ આનંદ થાય છે. અવકાશયાનને ખૂબ જ સારી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું છે. ટીમનો ભાગ હતો તે દરેકને અભિનંદન.
કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી ડૉ. જીતેન્દ્ર સિંહે ટ્વીટ કરી કહ્યું કે, તેઓ નવીનતમ પેઢીના આબોહવા/હવામાન ઉપગ્રહ INSAT 3DS ના પ્રક્ષેપણની ઉજવણી કરી રહ્યા છે. PM મોદીના માર્ગદર્શન હેઠળ ટીમ ISRO એક પછી એક સફળતા હાંસલ કરી રહી છે તેવા સમયે અવકાશ વિભાગ સાથે જોડાયેલા હોવા પર ગર્વ અનુભવું છું.
