દેશમાં બદલાતો હવામાનનો મિજાજ
Live TV
-
દેશમાં બદલાતો હવામાનનો મિજાજ: દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી, તો મરાઠવાડા અને વિદર્ભમાંથી ચોમાસાની વિદાયના એંધાણ
ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશના વિવિધ રાજ્યો માટે નવું હવામાન અપડેટ જારી કરવામાં આવ્યું છે. એક તરફ જ્યાં દક્ષિણ ભારતના રાજ્યોમાં વરસાદનો દોર યથાવત રહેવાની સંભાવના છે, તો બીજી તરફ મહારાષ્ટ્ર અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય માટે અનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે.
દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કર્ણાટક, કેરળ અને તમિલનાડુ સહિતના દક્ષિણ ભારતના રાજ્યોમાં આગામી દિવસોમાં ભારે વરસાદ ખાબકી શકે છે. આ વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને સતત વરસાદને કારણે એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં આગામી બે દિવસ દરમિયાન ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ચોમાસાની વિદાય
દેશમાંથી ચોમાસું હવે ધીમે-ધીમે પાછું ખેંચાઈ રહ્યું છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ, આગામી ૨ થી ૩ દિવસમાં મરાઠવાડા, વિદર્ભ અને છત્તીસગઢ તેમજ આસપાસના વિસ્તારોમાંથી ચોમાસાની સંપૂર્ણ વિદાય માટે વાતાવરણ તદ્દન અનુકૂળ બની રહ્યું છે.
હવામાન વિભાગની આ ચેતવણીને પગલે ખેડૂતો અને નાગરિકોને સાવચેતીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે.
