દેશમાં વકર્યો કોરોના ,એક્ટિવ કેસની સંખ્યા 6 હજારને પાર
Live TV
-
દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. શનિવારે 378 નવા કેસ મળી આવ્યા. આ રીતે સક્રિય કેસની સંખ્યા 6,133 થઈ ગઈ છે. કેરળમાં સૌથી વધુ 1,950 કેસ છે. આરોગ્ય વિભાગના ડેટા અનુસાર, છેલ્લા 9 દિવસમાં 3,423 કોરોના કેસ વધ્યા છે, જ્યારે 58 લોકોએ જીવ ગુમાવ્યા છે. 30 મે સુધી દેશમાં 2,710 સક્રિય કેસ અને 7 મૃત્યુ થયા હતા.
દેશમાં દરરોજ કોરોના વાયરસના લગભગ 400 નવા કેસ સામે આવી રહ્યા છે અને 5-6 દર્દીઓ મૃત્યુ પામી રહ્યા છે. શનિવારે, કેરળમાં 3, કર્ણાટકમાં 2 અને તમિલનાડુમાં 1 કોરોનાને કારણે મૃત્યુ થયું છે. અહીં, રાજ્યમાં ઝડપથી વધી રહેલા કેસ વચ્ચે, ગુજરાત સરકારે કહ્યું - અમે કોવિડ સામે લડવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ. હોસ્પિટલોમાં બેડ, વેન્ટિલેટર અને ICU બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે કહ્યું - હાલનો વેરિઅન્ટ ઓમિક્રોન વાયરસ કોવિડ પરિવારનો છે, પરંતુ તે એટલો ગંભીર નથી. અમે સતર્ક છીએ, અમે કોઈપણ પરિસ્થિતિને નિયંત્રિત કરી શકીએ છીએ.
ભારતના ઘણા રાજ્યોમાં કોવિડ-19ના કેસોમાં વધારા વચ્ચે, દેશમાં ચાર નવા વેરિઅન્ટ મળી આવ્યા છે. ICMRના ડિરેક્ટર ડૉ. રાજીવ બહલે જણાવ્યું હતું કે દક્ષિણ અને પશ્ચિમ ભારતમાંથી સિક્વન્સ કરાયેલા વેરિઅન્ટ LF.7, XFG, JN.1 અને NB.1.8.1 શ્રેણીના છે. અન્ય સ્થળોએથી નમૂના લેવામાં આવી રહ્યા છે અને સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે જેથી નવા વેરિઅન્ટની તપાસ કરી શકાય. કેસ ખૂબ ગંભીર નથી અને લોકોએ ચિંતા ન કરવી જોઈએ, ફક્ત સાવચેત રહેવું જોઈએ.
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ પણ તેમને ચિંતાજનક માન્યા નથી. જો કે, તેને દેખરેખ હેઠળ રાખવામાં આવેલા વેરિઅન્ટ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. ચીન સહિત અન્ય એશિયન દેશોમાં કોવિડના વધતા જતા કેસોમાં આ જ પ્રકાર જોવા મળી રહ્યો છે.
