નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં વર્ષ 2024નું વચગાળાનું બજેટ રજૂ કરશે
Live TV
-
નાણામંત્રી નિર્મલા સીતારમણઆજે સવારે 11 વાગ્યે લોકસભામાં વર્ષ 2024નું વચગાળાનું બજેટ રજૂ કરશે. નાણામંત્રી તરીકે સીતારમણ છઠ્ઠી વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે અને વર્તમાન લોકસભાનું આ છેલ્લું બજેટ છે. છેલ્લા ત્રણ સંપૂર્ણ કેન્દ્રીય બજેટની જેમ 2024નું વચગાળાનું બજેટ પણ પેપરલેસ હશે. આ વર્ષે સામાન્ય ચૂંટણી બાદ નવી સરકાર સંપૂર્ણ કેન્દ્રીય બજેટ રજૂ કરશે.
આ બજેટ દેશના વિકાસને દિશા આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે બજેટ સત્રની શરૂઆત પહેલા આના સ્પષ્ટ સંકેતો આપ્યા હતા. આર્થિક નિષ્ણાતોના મતે, વચગાળાનું બજેટ વિકાસ માટે માર્ગદર્શક પ્રકાશ બની રહેશે જે આગામી ત્રણ વર્ષથી ઓછા સમયમાં દેશને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવા માટે સક્ષમ બનાવશે.
બજેટ સત્રની શરૂઆત પહેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લોકસભા અને રાજ્યસભાના સંયુક્ત સત્રને સંબોધન કર્યુ હતુ. રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત માટે ગત વર્ષ ઐતિહાસિક સિદ્ધિઓથી ભરેલું હતું. તેમણે મહિલા અનામત કાયદો ઘડવા બદલ સાંસદોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે એશિયન ગેમ્સના ઈતિહાસમાં સૌથી વધુ મેડલ ચંદ્રયાન-3ની સફળતા અને રામ મંદિર નિર્માણના સપનાંની પૂર્તિનો ઉલ્લેખ કર્યો હતો.
રાષ્ટ્રપતિએ રામ મંદિરનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, રામ મંદિરની આકાંક્ષા સદીઓથી હતી જે આ વર્ષે પૂરી થઈ છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે જી-20 સંમેલનનું સફળ આયોજન થયું છે. વન નેશન વન પાવર ગ્રેડના માધ્યમથી વિજળીની વ્યવસ્થામાં અત્યંત મહત્વપૂર્ણ સુધારા કરાયા છે. દેશમાં 4 કરોડથી વધુ લોકોને પાકા ઘરો મળ્યા છે. તો 11 કરોડ ઘરોમાં પહેલી વાર નળ સે જળ યોજના અંતર્ગત પાણીની વ્યવસ્થા કરાઇ છે. દરેક યોજનાઓ પરિપૂર્ણ કરવા માટે સરકાર કટિબધ્ધ છે.
સંસદમાં સત્ર શરૂ થતા પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મિડિયા સમક્ષ સંબોધન કર્યુ હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, નવી સંસદના પ્રથમ સત્ર દરમિયાન નારી શક્તિ વંદન અધિનિયમ પસાર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનું માર્ગદર્શન મળવું અને નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા વચગાળાનું બજેટ રજૂ કરવુંએ મહિલા સશક્તિકરણના ઉત્સવ સમાન છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હંગામા માં સામેલ થવાની અને બંધારણીય મૂલ્યોને નીચું કરવાની જે સભ્યો ટેવ ધરાવતા હોય તેઓએ વર્તમાન લોકસભાના આ છેલ્લા સત્રમાં આત્મમંથન કરવું જોઈએ. આ બજેટ સત્ર પસ્તાવો કરવાની અને સકારાત્મક પદચિહ્નો છોડવાની તક છે.
