નેપાળમાં 6.4ની તીવ્રતાના ભૂકંપથી તારાજી, 120થી વધુ લોકોના મોત, 140 લોકો ઘાયલ
Live TV
-
પશ્ચિમ નેપાળમાં આવેલા પ્રચંડ ભૂકંપના કારણે અત્યાર સુધીમાં 120 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. ભૂકંપના કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે. નેપાળી અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે રૂકુમ પશ્ચિમમાં 36 લોકોના મોત થયા છે, જ્યારે જાજરકોટ જિલ્લામાં અત્યાર સુધીમાં 34 લોકોના મોત થયા છે.
ભૂકંપ બાદ બચાવ દળ બચાવ કામગીરીમાં લાગેલું છે. શુક્રવારે રાત્રે લગભગ 11.30 વાગ્યે નેપાળના પશ્ચિમ વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.4 માપવામાં આવી છે.
નેપાળના રાષ્ટ્રીય ધરતીકંપ માપન કેન્દ્રના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ભૂકંપ રાત્રે 11.47 વાગ્યે આવ્યો હતો, તેનું કેન્દ્ર જાજરકોટમાં ભૂગર્ભમાં 10 કિલોમીટરની ઊંડાઈમાં હતું. ભૂકંપની અસર ભારત અને ચીનમાં પણ જોવા મળી હતી. ભારતમાં પણ લગભગ 40 સેકન્ડ સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
નેપાળના પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલ પ્રચંડે ભૂકંપના કારણે જાનમાલના નુકસાન પર શોક વ્યક્ત કર્યો છે. નેપાળના પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું, પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહલે શુક્રવારે રાત્રે 11.47 કલાકે જાજરકોટના રામીદાંડામાં આવેલા ભૂકંપના કારણે જાનહાનિ અને મકાનોના નુકસાન પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. ઘાયલોને તાત્કાલિક બચાવ અને રાહત માટે ત્રણેય સુરક્ષા એજન્સીઓને તૈનાત કરવામાં આવી છે.
