પ્રધાનમંત્રી આવતીકાલે રાજસ્થાન અને હરિયાણાની મુલાકાતે
Live TV
-
પ્રધાનમંત્રી 9 ડિસેમ્બરે જયપુરની મુલાકાત લેશે અને સવારે 10:30 વાગ્યે જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (JECC) ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ 2024 અને રાજસ્થાન ગ્લોબલ ટ્રેડ એક્સપોનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે તેઓ ઉપસ્થિત જનમેદનીને સંબોધશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યારબાદ હરિયાણાની મુલાકાત લેશે અને લગભગ 2 વાગ્યે પાણીપતમાં મહિલા સશક્તિકરણ અને નાણાકીય સમાવેશ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને અનુરૂપ 'બીમા સખી યોજના' શરૂ કરશે.
ભારતીય જીવન વીમા નિગમ (LIC) ની આ પહેલ 18-70 વર્ષની વય જૂથની મહિલાઓને સશક્ત બનાવવા માટે બનાવવામાં આવી છે, જેમણે ધોરણ 10 પાસ કર્યું છે. તેમને નાણાકીય સાક્ષરતા અને વીમા જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે પ્રથમ ત્રણ વર્ષ માટે વિશેષ તાલીમ અને સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. તાલીમ પછી, તેઓ LIC એજન્ટ તરીકે કામ કરી શકે છે અને સ્નાતક થયેલા બીમા સખીઓને LICમાં વિકાસ અધિકારીની ભૂમિકા માટે લાયક બનવાની તક મળશે. વડાપ્રધાન ભાવિ બીમા સખીઓને નિમણૂક પ્રમાણપત્રનું પણ વિતરણ કરશે.
કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી મહારાણા પ્રતાપ હોર્ટિકલ્ચરલ યુનિવર્સિટી, કરનાલના મુખ્ય કેમ્પસનો શિલાન્યાસ પણ કરશે. 495 એકરમાં ફેલાયેલું મુખ્ય કેમ્પસ અને છ પ્રાદેશિક સંશોધન કેન્દ્રો રૂ. 700 કરોડથી વધુના ખર્ચે સ્થાપવામાં આવશે. યુનિવર્સિટી પાસે અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક અભ્યાસ માટે એક બાગાયત કોલેજ અને 10 બાગાયતી વિષયોને આવરી લેતી પાંચ શાળાઓ હશે. તે બાગાયત તકનીકોના વિકાસ માટે પાક વૈવિધ્યકરણ અને વિશ્વ સ્તરીય સંશોધન તરફ કામ કરશે.
