પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંબાજી મંદિરમાં દર્શન સાથે કરી પૂજા-આરતી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું આગમન થયું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું આગમન થયું હતું જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અંબાજી જવા માટે હેલિકોપ્ટરથી રવાના થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંબાજી ખાતે પહોંચી અંબાજી મંદિરમાં મા અંબાના દર્શન કર્યા હતાં અને પૂજા-આરતી કરી હતી. ત્યાર બાદ પ્રધાનમંત્રી મહેસાણા ખાતે જાહેર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા રવાના થયા હતા.
પ્રધાનમંત્રી આજે મહેસાણામાં 5.950 હજાર કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન, જળ સંસાધન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે. આ વિકાસકાર્યો મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાને આવરી લે છે.
તેઓ મંગળવારે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાનાર સમારોહમાં ઉપસ્થિત રહેશે. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને પોલીસદળના જવાનો દ્વારા થનારી એકતા પરેડનું નિરીક્ષણ કરશે.
પ્રધાનમંત્રી મોદી એકતાનગર ખાતે કરોડોના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે. તેમાં પર્યાવરણને અનુકૂળ પહેલ હેઠળ 30 ઇ-બસ અને 210 પબ્લિક બાઇક શેરિંગની સુવિધાનો શુભારંભ, 4 મેગાવોટ સ્થાપિત ક્ષમતા સાથેના સોલાર પેનલ્સનું ખાતમુહૂર્ત, 3 પ્રવાસન આકર્ષણો અને 3 ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સહિત પાંચ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને લોકાર્પણનો સમાવેશ થાય છે, તેમજ કમલમ્ પાર્કનું પણ લોકાર્પણ કરાશે. તેઓ 4 મેગાવોટ સ્થાપિત ક્ષમતા સાથેના સોલાર પેનલ્સનું ખાતમૂહૂર્ત પણ કરશે.
