સુપ્રીમ કોર્ટે મનીષ સિસોદિયાને આપ્યો ઝટકો, આબકારી નીતિ કેસમાં ના આપ્યા જામીન
Live TV
-
સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને જામીન આપવાથી ઈનકાર કરી દીધો હતો.
સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હીના પૂર્વ ઉપ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને જામીન આપવાથી ઈનકાર કરી દીધો હતો. જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે, જો 6 થી 8 મહિનામાં કેસ પૂર્ણ ના થાય તો બીજી વખત જામીન માટે અરજી કરી શકો છો. સુપ્રીમ કોર્ટે 17 ઓક્ટોબરે ચુકાદો અનામત રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે, દિલ્હી સરકારની આબકારી નીતિમાં કથિત અનિયમિતતા મામલે મનીષ સિસોદિયાની ધરપકડ થઈ હતી અને હજી સુધી સિસોદિયા જેલમાં છે.
છેલ્લી સુનાવણી દરમિયાન, સુપ્રીમ કોર્ટે SSG એસ.વી. રાજુને પૂછ્યું હતું કે કેસમાં શું પ્રગતિ છે. કોર્ટે કહ્યું હતું કે, આ કેસમાં લગભગ 20 થી 30 હજાર દસ્તાવેજો છે. 290 થી વધુ સાક્ષીઓ છે. આવી સ્થિતિમાં ટ્રાયલ કેવી રીતે પૂર્ણ થશે? ત્યારે રાજુએ કહ્યું કે 9 થી 12 મહિનામાં ટ્રાયલ પૂર્ણ થશે. ત્યારે જસ્ટિસ ખન્નાએ કહ્યું હતું કે, સામાન્ય રીતે અમે જામીનના કેસમાં આટલો લાંબો સમય સુનાવણી કરતા નથી. 16 ઓક્ટોબરે EDએ સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, અમે આમ આદમી પાર્ટીને આરોપી બનાવવા પર વિચાર કરી રહ્યા છીએ.
અગાઉની સુનાવણીમાં, કોર્ટે ED પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે, તે સરકારી સાક્ષીના નિવેદન પર કેવી રીતે વિશ્વાસ કરશે. શું આ નિવેદન કાયદામાં સ્વીકાર્ય હશે? શું આ સામાન્ય વાત નથી? કોર્ટે કહ્યું હતું કે, બધું પુરાવા પર આધારિત હોવું જોઈએ નહીંતર ઊલટતપાસમાં કેસ બે મિનિટમાં પતી જશે.
5 ઓક્ટોબરે સુનાવણી દરમિયાન સિસોદિયાના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, સિસોદિયાને પૈસા મળ્યાના કોઈ પુરાવા નથી. સિસોદિયાનો વિજય નાયર સાથે કોઈ સંબંધ નહોતો. નાયર પાર્ટીનો કાર્યકર હતો અને તેણે આતિશી અને સૌરભ ભારદ્વાજને જાણ કરી હતી. તેમણે કહ્યું કે, સિસોદિયા 26 ફેબ્રુઆરીથી જેલમાં છે. EDએ સિસોદિયાના જામીનનો વિરોધ કરતા કહ્યું હતું કે, નીતિ પારદર્શક હોવી જોઈએ. એક્સાઈઝ પોલિસી હેઠળ પૈસા કમાવવા માટે ષડયંત્ર રચવામાં આવ્યું હતું. પૈસા લઈને છૂટ આપવામાં આવતી હતી. વિજય નાયર મનીષ સિસોદિયાની સૂચના પર કામ કરતો હતો.
