પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે ટેલિફોનિક વાતચીત કરી દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરી
Live TV
-
ભારત-બ્રિટેન રોડમેપ 2030ના ભાગરૂપે દ્વિપક્ષીય મુદ્દા પર પ્રગતિની સમીક્ષા કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે ટેલિફોનિક વાતચીત કરી બ્રિટનમાં ભારતીય રાજદ્વારી સંસ્થાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો. બંને નેતાઓએ ભારત-બ્રિટેન રોડમેપ 2030ના ભાગરૂપે દ્વિપક્ષીય મુદ્દા પર પ્રગતિની સમીક્ષા કરી હતી. ખાસ કરીને હાલમાં વ્યાપાર અને આર્થિક ક્ષેત્રમાં ઉચ્ચસ્તરીય આદાનપ્રધાન અને સહકાર પર સંતોષ વ્યકત કર્યો હતો. બંને દેશો વચ્ચેના મુક્ત વ્યાપાર કરારના ઝડપથી નિષ્કર્ષની જરૂરિયાત પર સંમત થયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય રાજદ્વારી સંસ્થાઓની સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો હતો અને બ્રિટન સરકારને ભારત વિરોધી તત્વો સામે કડક કાર્યવાહી કરવા અનુરોધ કર્યો હતો. બ્રિટનના પ્રધાનમંત્રીએ ભારતીય દૂતાવાસ પરના હુમલાને વખોડી કાઢ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બ્રિટનમાં આશ્રય મેળવનારા ભાગેડુ આરોપીઓને પરત કરવાની પ્રક્રિયામાં પ્રગતિની માંગ કરી હતી. જેથી તેમના પર ભારતીય કાયદા મુજબ કાર્યવાહી થઇ શકે. આ વર્ષે સપ્ટેંબરમાં યોજાનારી G20 પરિષદ માટે પ્રધાનમંત્રી મોદીએ બ્રિટનના પ્રધાનમંત્રી ઋષિ સુનકને આમંત્રણ પાઠવ્યું છે.
