પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈશ્વિક અર્થ વ્યવસ્થામાં સ્થિરતા અને વૃદ્ધિ પાછી લાવવા આહ્વાન કર્યું
Live TV
-
બેંગલુરુમાં જી20 દેશોના નાણામંત્રીઓ અને મધ્યસ્થ બેંકના ગવર્નરોની પ્રથમ બેઠક આજથી શરૂ થઇ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રધાનમંત્રીએ વિશ્વની અગ્રણી અર્થવ્યવસ્થા અને નાણાકીય વ્યવસ્થાના સંરક્ષકોને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સ્થિરતા, આત્મવિશ્વાસ અને વૃદ્ધિ પાછી લાવવા આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થાની ગતિશીલતા માટે ભારતીય ગ્રાહકો અને ઉત્પાદકો આશાવાદી છે અને આત્મવિશ્વાસ ધરાવે છે ત્યારે તેમાંથી પ્રેરણા લેવાની જરૂર છે. પ્રધાનમંત્રીએ આશા વ્યક્ત કરી કે વૈશ્વિક પુરવઠા શૃંખલા, વધતી કિંમતો, ખાદ્ય અને ઉર્જા સુરક્ષા પડકારોથી અસરગ્રસ્ત વિશ્વના અન્ય દેશો, ભારતની જેમ વૈશ્વિક અર્થતંત્રમાં રચનાત્મક બની શકે.
વધુમાં મોદીએ જણાવ્યું કે, ભારતમાં વિકસિત UPIએ શાસનમાં આમૂલ પરિવર્તન લાવ્યા છે અને નાણાકીય સર્વસમાવેશને પ્રોત્સાહન આપ્યું છે. તેમણે પ્રતિનિધિઓ અને પ્રવાસીઓને અમારા ડિજિટલ પ્લેટફોર્મનો પ્રથમ અનુભવ મેળવવા માટે UPI પ્લેટફોર્મનો ઉપયોગ કરવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે ભારત આ ક્ષેત્રમાં પોતાના અનુભવ રજુ કરીને ખુશ થશે. જી20 સભ્ય દેશોના પ્રતિનિધિઓ, આમંત્રિતો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ આ બે દિવસીય બેઠકમાં ભાગ લઈ રહ્યા છે. આ બેઠકમાં થયેલી ચર્ચાઓનો હેતુ જી20 ફાયનાન્સ ટ્રેકના વિવિધ કાર્ય પ્રવાહો માટે સ્પષ્ટ વિચારણાનો છે.
