પ્રધાનમંત્રી મોદીએ રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ-2024નું ઉદ્ઘાટન કર્યું, વર્તમાન સદીને ટેક્નોલોજી અને ડેટાની સદી ગણાવી
Live TV
-
છેલ્લા 10 વર્ષમાં ભારત 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે: પ્રધાનમંત્રી મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનની રાજધાની જયપુરમાં એક્ઝિબિશન એન્ડ કોન્ફરન્સ સેન્ટર ખાતે રાઇઝિંગ રાજસ્થાન ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ-2024નું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન સમારોહમાં કહ્યું કે,” આજે વિશ્વભરના નિષ્ણાતો અને રોકાણકારો ભારતમાં રોકાણ કરવા માટે ઉત્સાહિત છે.”
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે,” ભારતે રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મના મંત્રને અનુસરીને જે વિકાસ સાધ્યો છે, તે દરેક ક્ષેત્રમાં દેખાય છે.આઝાદી પછી સાત દાયકામાં, ભારત વિશ્વની 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું હતું.જ્યારે છેલ્લા 10 વર્ષોથી, ભારત 11મી સૌથી મોટી અર્થવ્યવસ્થામાંથી વિશ્વની 5મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.”
તેમણે કહ્યું કે,” ભારતની સફળતા લોકશાહી, વસ્તી વિષયક, ડિજિટલ ડેટા અને વિતરણની સાચી શક્તિ દર્શાવે છે.” વર્તમાન સદીને ટેક્નોલોજી અને ડેટાની સદી ગણાવતા તેમણે કહ્યું કે,” ભારતે બતાવ્યું છે કે, કેવી રીતે દરેક ક્ષેત્ર અને વર્ગને ડિજિટલ ટેક્નોલોજીના લોકશાહીકરણથી ફાયદો થઈ રહ્યો છે. ભારતની યુપીઆઈઅને ડીબીટીયોજનાઓ સહિત આવા ઘણા પ્લેટફોર્મ ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂતાઈ દર્શાવે છે.”
ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવા બદલ રાજસ્થાનની ભાજપ સરકારને અભિનંદન આપતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે,” રાજસ્થાન તેના કુશળ કાર્યબળ અને વધતા બજારને કારણે, રોકાણ માટેના મુખ્ય સ્થળ તરીકે ઉભરી રહ્યું છે.”
પહેલાની સરકારો પર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું હતું કે,” આઝાદી પછીની સરકારોની પ્રાથમિકતા ન તો દેશનો વિકાસ હતો અને ન તો દેશની ધરોહર હતી અને રાજસ્થાનને આ માટે નુકસાન સહન કરવું પડ્યું છે.” તેમણે કહ્યું કે,” અમારી સરકાર વિકાસની સાથે વિરાસતના મંત્ર પર કામ કરી રહી છે અને રાજસ્થાનને તેનો ઘણો ફાયદો મળી રહ્યો છે.”
