પ્રધાનમંત્રી ‘સ્વાગત’ના 21માં વર્ષ પ્રવેશ પ્રસંગે વરિષ્ઠ અધિકારીઓને પ્રેરણા અને માર્ગદર્શન આપશે
Live TV
-
વર્તમાન પ્રધાનમંત્રી અને લોકપ્રિય નેતા નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજયના સામાન્ય નાગરિકોની ફરિયાદોનું ન્યાયી ધોરણે સમયબદ્ધ ત્વરિત નિવારણ લાવવાના જનહિતકારી ભાવથી દેશભરમાં પ્રથમ એવો નવતર અભિગમ ‘સ્વાગત’ કાર્યક્રમ 24 એપ્રિલ 2002થી ગુજરાતમાં શરુ કર્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે શરૂ કરાવેલી જનફરિયાદ નિવારણની આ પહેલ ‘‘સ્ટેટ વાઇડ એટેન્શન ઓન ગ્રીવન્સીસ બાય એપ્લીકેશન ઓફ ટેક્નોલોજી’’ સ્વાગત કાર્યક્રમે હવે તો વિશ્વમાં ગુડ ગવર્નન્સની આગવી દિશાસૂચક પહેલ તરીકે ખ્યાતિ મેળવી છે.
‘સ્વાગત’ ઓનલાઇન જનફરિયાદ નિવારણનો આ ઉપક્રમ તા.24 એપ્રિલે બે દાયકાની મંઝિલ પાર કરી 21માં વર્ષમાં પ્રવેશ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વાગતની સફળ બે દાયકાની મંઝિલ પાર કરવાના આ અવસરે તા.27 એપ્રિલએ યોજાનારા રાજ્ય ‘સ્વાગત’ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી ઓનલાઇન સહભાગી થશે. એટલું જ નહિ, ‘સ્વાગત’ની સફળતાની ફલશ્રુતિએ જે નાગરિકો-પ્રજાવર્ગોની સમસ્યાનું સુચારૂ નિવારણ આવ્યું છે તેવા લાભાર્થીઓ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંવાદ પણ કરવાના છે. પ્રધાનમંત્રી ‘સ્વાગત’ના 21માં વર્ષ પ્રવેશ પ્રસંગે રાજ્યના જિલ્લા વહીવટીતંત્ર તેમજ સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓને પ્રેરણા અને માર્ગદર્શન આપશે.
