ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત
Live TV
-
ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત
ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ હાલમાં ભારતના ચાર દિવસીય સત્તાવાર પ્રવાસે છે. આજે તેમની મુલાકાતનો બીજો અને અત્યંત મહત્વનો દિવસ છે. તેઓ નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચેના વ્યાપારી અને વ્યૂહાત્મક સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવાનો છે.
હૈદરાબાદ હાઉસમાં બંને નેતાઓ વેપાર, રોકાણ, ક્લીન એનર્જી અને ટેકનોલોજી જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. બેઠક બાદ કેટલાક મહત્વના કરારો (MoUs) પર હસ્તાક્ષર થવાની પણ શક્યતા છે. આજે સાંજે રાષ્ટ્રપતિ સ્ટબ રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની મુલાકાત લેશે.
તેઓ ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન અને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર સાથે પણ અલગ-અલગ બેઠકો યોજીને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે.
રાયસીના ડાયલોગ 2026 માં મુખ્ય અતિથિ
રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ આ વર્ષે યોજાઈ રહેલા 'રાયસીના ડાયલોગ' (Raisina Dialogue 2026) ના મુખ્ય અતિથિ છે. તેઓ આજે સાંજે આ પ્રતિષ્ઠિત કોન્ફરન્સમાં મુખ્ય સંબોધન (Keynote Address) આપશે. આ કાર્યક્રમમાં વિશ્વભરના નેતાઓ અને નિષ્ણાતો ભૂ-રાજકીય મુદ્દાઓ પર મંથન કરવા માટે એકઠા થયા છે.
