યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પ્રસંગે આમંત્રણ આપ્યું
Live TV
-
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લખનઉ પહોંચ્યા
આગામી તા. 31મી ઓક્ટોબરના રોજ સરદાર સરોવર ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતીમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થવાનું છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી લખનઉ પહોંચ્યા હતા. આ તકે વિજયભાઈએ યોગી આદિત્યનાથને સ્ટેચ્યુ ઓફ યુનિટીની તસ્વીર કોફી ટેબલ બુક તેમજ ભારતના પ્રથમ મંત્રી મંડળની સમૂહ તસ્વીર ભેટ આપી હતી.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રતીમા સ્થળની માહિતી આપતા જણાવ્યું હતું કે આ સ્થાન વિશ્વ પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બને તેવી વ્યવસ્થા સરકારે કરી છે. રોજ ના 15 હજારથી વધુ પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લેશે. તેમના માટે એક અને અખંડ ભારતની પ્રત્યક્ષ અનુભૂતિ માટે દરેક રાજ્યના ભવનનું પણ નિર્માણ કરવામાં આવનાર છે. યુ.પીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સરદાર પટેલની આ પ્રતિમાના આધાર પર અયોધ્યામાં ભગવાન રામચંદ્રની પ્રતીમાના નિર્માણ માટેની સંભાવનાઓ ચકાસવા અને ટેક્નિકલ સહયોગ માટે એક પ્રતિનિધિ મંડળ ગુજરાત મોકલવા કરેલા સૂચનને વિજય ભાઈએ આવકાર્યું હતું. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં રાજ્યોના પોલીસ વડાઓની પરિષદ તેમજ રાજ્યોની વિધાન સભાના અધ્યક્ષોની કોન્ફરન્સ પણ યોજાવાની છે. આ બેઠકમાં ગુજરાતના ગિફ્ટ સીટીમાં શરૂ થયેલી ગ્લોબલ ફાયનાન્સિયલ એક્ટીવીટી તેમજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતા સંદર્ભે પણ વિશદ ચર્ચા થઈ હતી.
