યુપીના સંભલમાં શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન હંગામો, ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો
Live TV
-
ગોળીબાર અને પથ્થરમારાની વચ્ચે પોલીસે પણ જવાબી કાર્યવાહી
ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં આવેલી શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન રવિવારે ભારે હંગામો થયો હતો. આ દરમિયાન કેટલાક અસામાજિક તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસનો ઉપયોગ કરવો પડ્યો હતો. જામા મસ્જિદના સર્વે દરમિયાન સ્થિતિ વણસી અને હિંસા ફેલાઈ ગઈ હતી.
ગોળીબાર અને પથ્થરમારાની વચ્ચે પોલીસે પણ જવાબી કાર્યવાહી
સંભલ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષક સ્થળ પર હાજર હતાં, પરંતુ તેમ છતાં પરિસ્થિતિ વણસી હતી. પોલીસ દ્વારા કરવામાં આવી રહેલા સર્વે સામે સ્થાનિક લોકોએ રોષ વ્યક્ત કરતા હિંસક અથડામણ થઈ હતી. ભીડે પોલીસ પર પથ્થરમારો શરૂ કર્યો અને ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસે પોતાની સુરક્ષા અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલનો ઉપયોગ કરવો પડ્યો હતો. ગોળીબાર અને પથ્થરમારાની વચ્ચે પોલીસે પણ જવાબી કાર્યવાહી કરી હતી, જેના કારણે સમગ્ર વિસ્તારમાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું.
મસ્જિદને હરિહર મંદિર હોવાનો દાવો કર્યા બાદ કોર્ટે સર્વે કરવાનો આદેશ
તમને જણાવી દઈએ કે હિન્દુ પક્ષનો દાવો છે કે શાહી જામા મસ્જિદ હરિહર મંદિર છે. આ સંદર્ભે રવિવારે સવારે 7.30 વાગ્યાથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન મસ્જિદની બહાર ભીડ એકઠી થવા લાગી અને સર્વે સામે હોબાળો શરૂ થયો. અધિકારીઓએ ભીડને શાંત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કેટલાક લોકોએ પોલીસ ટીમને નિશાન બનાવીને પથ્થરમારો શરૂ કર્યો. હિંદુ પક્ષે કોર્ટમાં જામા મસ્જિદને હરિહર મંદિર હોવાનો દાવો કર્યા બાદ કોર્ટે સર્વે કરવાનો આદેશ આપ્યો હતો. 19 નવેમ્બરની રાત્રે મસ્જિદમાં સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વે કરવા માટે ટીમ રવિવારે ફરીથી મસ્જિદ પહોંચી હતી. આ સર્વે માટે મસ્જિદ કમિટીએ પણ પોતાની સંમતિ આપી દીધી છે અને બંને પક્ષકારોની હાજરીમાં મસ્જિદનો સર્વે કરવામાં આવી રહ્યો છે.
