રક્ષામંત્રી રાજનાથ સિંહે પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ઉર્જા પુરવઠા અને સંબંધિત મુદ્દાઓ પર જોખમની સમીક્ષા કરવા માટે મંત્રી જૂથની બેઠકની અધ્યક્ષતા કરી
Live TV
-
રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે જણાવ્યું હતું કે સરકાર પશ્ચિમ એશિયામાં સંઘર્ષની સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે અને તે આ સંઘર્ષની કોઈપણ અસરથી ભારતીયોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. શ્રી રાજનાથ સિંહે આજે નવી દિલ્હીમાં અનેક વરિષ્ઠ મંત્રીઓના અનૌપચારિક મંત્રી જૂથની બેઠકની અધ્યક્ષતા કરતા આ વાત કહી હતી. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને ધ્યાનમાં રાખીને ઉર્જા પુરવઠો, આવશ્યક ચીજવસ્તુઓની ઉપલબ્ધતા, મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓની લવચીકતા અને ભારતની સપ્લાય ચેઈનની મજબૂતી સાથે જોડાયેલા જોખમોની સમીક્ષા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. રક્ષામંત્રીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે બેઠકમાં સરકાર દ્વારા કરવામાં આવી રહેલા તમામ ઉપાયો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
નાણામંત્રી નિર્મલા સીતારમણ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરી, ઉર્જા મંત્રી મનોહર લાલ અને આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા આ બેઠકમાં સામેલ થયા હતા.
