રબી અભિયાન 2026: ખેડૂતો માટે ખાતર-બિયારણની પૂરતી ઉપલબ્ધતા નક્કી કરાશે
Live TV
-
નવી દિલ્હી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય કૃષિ પરિષદ-રબી અભિયાન 2026માં કેન્દ્રીય કૃષિ, ખેડૂત કલ્યાણ અને ગ્રામ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, હવામાન પરિવર્તન, અનિયમિત વરસાદ અને પાણીની અછત જેવી પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકાર ખેડૂતોની સાથે મજબૂતીથી ઊભી છે.
ચૌહાણે જણાવ્યું કે રબી સિઝન માટે ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ગુણવત્તાયુક્ત બિયારણ, ખાતર અને અન્ય જરૂરી સંસાધનો ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સંકલન વધારીને રબી વાવેતર માટે રાજ્યવાર કાર્યયોજના તૈયાર કરવામાં આવી રહી છે. રબી અભિયાનમાં દાળ અને તેલીબિયાંના વાવેતરને પ્રોત્સાહન આપવા પર વિશેષ ભાર મૂકાયો છે. ચણા, મસૂર અને સરસવ જેવા પાકો માટે યોગ્ય વિસ્તારની પસંદગી અને બજાર વ્યવસ્થા સુનિશ્ચિત કરવા રાજ્યોને સૂચના આપવામાં આવી છે.
કેન્દ્રીય મંત્રીએ ખેડૂતોને સંતુલિત ખાતર ઉપયોગ અને વૈજ્ઞાનિક ખેતી અપનાવવા પણ અપીલ કરી છે. પાક, રોગ અને બજાર ભાવની સ્થિતિ પર નિયમિત દેખરેખ રાખીને સમયસર જરૂરી પગલાં લેવા પણ ભાર મૂકાયો છે. રાષ્ટ્રીય કૃષિ પરિષદમાં કેન્દ્ર અને રાજ્યોના કૃષિ અધિકારીઓ, ICARના વૈજ્ઞાનિકો તથા અન્ય નિષ્ણાતો દ્વારા રબી સિઝનની તૈયારીઓ, હવામાન, ખાતર ઉપલબ્ધતા, ડિજિટલ કૃષિ, ખેડૂત રજિસ્ટ્રી અને કૃષિ યોજનાઓ અંગે ચર્ચા કરવામાં આવી રહી છે.
