રાજ્યસભામાં શોકાંજલિ, નવા સાંસદોના શપથ અને ઓપરેશન સિંદૂર પર સવાલ
Live TV
-
રાજ્યસભામાં શોકાંજલિ, નવા સાંસદોના શપથ અને ઓપરેશન સિંદૂર પર સવાલ
સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે રાજ્યસભાની કાર્યવાહી દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને નવા સાંસદોના શપથ સાથે શરૂ થઈ. જોકે, વિપક્ષ દ્વારા કેટલાક મહત્વના મુદ્દાઓ ઉઠાવવામાં આવતા ગૃહમાં ગરમાવો જોવા મળ્યો હતો, જેના પગલે કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.
દિવંગતોને શ્રદ્ધાંજલિ અને નવા સાંસદોના શપથ
રાજ્યસભા શરૂ થતાની સાથે જ દિવંગત નેતાઓને શોકાંજલિ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ, બે નવા રાજ્યસભા સાંસદોએ શપથ લીધા હતા, જેમનું ગૃહ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
ઓપરેશન સિંદૂર અને ટ્રમ્પના નિવેદન પર સવાલ
શપથવિધિ બાદ વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ "ઓપરેશન સિંદૂર" અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કથિત દરમિયાનગીરી અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેના જવાબમાં ગૃહના નેતા જે.પી. નડ્ડાએ જણાવ્યું હતું કે, "અમે આ અંગે જરૂર જવાબ આપીશું તેમજ ચર્ચા પણ કરીશું. તેમણે કહ્યું કે, સમય નક્કી કરશે તે સમયે અમે જરૂર ચર્ચામાં ભાગ લઈશું."
હોબાળાને પગલે ગૃહ સ્થગિત અને મહત્વનું બિલ રજૂ થશે
જોકે, આ નિવેદનો બાદ પણ ગૃહમાં હોબાળો ચાલુ રહેતા, રાજ્યસભાની કાર્યવાહી સવારે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. આજના સત્રમાં રાજ્યસભામાં વહન પત્ર વિધેયક ને કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ રજૂ કરશે.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના પર ઉડ્ડયન મંત્રીનું નિવેદન
પ્રશ્નકાળ દરમિયાન, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજરાપુ રામ મોહન નાયડૂએ અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, "અમદાવાદ વિમાન દુર્ઘટનાની ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. AAIB (Aircraft Accident Investigation Bureau) નો પ્રારંભિક રિપોર્ટ આવ્યો છે. જ્યાં સુધી સંપૂર્ણ તથ્યો સામે ન આવે ત્યાં સુધી કોઈ ટિપ્પણી કરવી યોગ્ય નથી."
