લોકસભા અને રાજ્યસભામાં ચાલી રહેલા ગતિરોધનો આવ્યો અંત, સર્વપક્ષીય બેઠકમાં સંસદમાં બન્ને ગૃહને સુચારૂ રીતે ચલાવવા પર સધાઈ સહમતી
Live TV
-
આવતીકાલથી સંસદમાં ચર્ચા થવાની અપેક્ષા, લોકસભા સ્પીકરની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠકમાં સંસદમાં ચાલી રહેલા ગતિરોધનો આવ્યો અંત
છેલ્લા એક સપ્તાહથી લોકસભા અને રાજ્યસભામાં ચાલી રહેલ મડાગાંઠનો અંત આવવા જઈ રહ્યો છે. વિવિધ પક્ષોના ફ્લોર લીડરોએ, સોમવારે લોકસભા અધ્યક્ષ સાથે મુલાકાત કરી હતી. બેઠકમાં એ વાત પર સહમતિ સધાઈ હતી કે, મંગળવારથી ગૃહને સુચારૂ રીતે ચલાવવામાં આવશે.
લોકસભાના અધ્યક્ષ સાથેની બેઠક બાદ, સંસદીય કાર્ય મંત્રીએ આ અંગે માહિતી આપી અને આશા વ્યક્ત કરી કે તમામ પક્ષો મળીને ગૃહને ચલાવવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે, લોકસભાના સ્પીકરે કહ્યું કે તમામ સાંસદોને ગૃહમાં તેમના વિચારો રજૂ કરવાની તક મળવી જોઈએ. વિપક્ષના નેતાઓ પરવાનગી સાથે ગૃહમાં તેમનો દરેક વિષય રજૂ કરી શકે છે.
રિજિજુએ કહ્યું કે, આજની બેઠકમાં બંધારણ પર ચર્ચા કરવા પર પણ સહમતિ બની હતી. લોકસભામાં 13-14 ડિસેમ્બર એટલે કે શુક્રવાર અને શનિવારે ચર્ચા થશે. 16-17 ડિસેમ્બરે રાજ્યસભામાં તેના પર ચર્ચા થશે.
ઉલ્લેખનીય છે કે, સંભલમાં થયેલી હિંસા અને અમેરિકામાં અદાણીની તપાસને લઈને છેલ્લા ઘણા દિવસોથી લોકસભા અને રાજ્યસભામાં મડાગાંઠ ચાલી રહી હતી. વિપક્ષ આ મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી રહ્યો હતો. દરમિયાન, વિપક્ષે બંધારણને અપનાવવાની 75મી વર્ષગાંઠ પર બંને ગૃહોમાં વિશેષ ચર્ચાની માંગ કરી હતી.
આજે યોજાયેલી બેઠકમાં, ટીડીપી તરફથી લવુ શ્રીકૃષ્ણ દેવરયાલુ, કોંગ્રેસ તરફથી ગૌરવ ગોગોઈ, ડીએમકે તરફથી ટીઆર બાલુ, એનસીપી (શરદચંદ્ર) તરફથી સુપ્રિયા સુલે, સપા તરફથી ધર્મેન્દ્ર યાદવ, જેડી(યુ) તરફથી દિલેશ્વર કામૈત, આરજેડી તરફથી અભય કુશવાહ, તૃણમૂલ તરફથી કલ્યાણ બેનર્જી, શિવસેના (યુબીટી) તરફથી અરવિંદ સાવંત અને સીપીઆઈ (એમ) તરફથી કે. રાધાકૃષ્ણન બેઠકમાં હાજર રહ્યા હતા.
