વડાપ્રધાન મોદીએ કે.પી.શર્મા ઓલીને નેપાળના વડાપ્રધાન તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા
Live TV
-
નેપાળના નવનિયુક્ત વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ચોથી વખત નેપાળના વડાપ્રધાન તરીકે શપથ લીધા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે.પી.શર્મા ઓલીને નેપાળના વડાપ્રધાન તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ભારત અને નેપાળ વચ્ચેના મિત્રતાના ગાઢ સંબંધોને વધુ મજબૂત કરવા અને પરસ્પર લાભદાયી સહયોગને વિસ્તારવા સાથે મળીને કામ કરવાની આશા વ્યક્ત કરી હતી. નેપાળમાં કેપી શર્મા ઓલીએ આજે સવારે ચોથી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા.
વડા પ્રધાન મોદીએ સોશિયલ મીડિયા હેન્ડલ x પર એક પોસ્ટમાં લખ્યું, “નેપાળના વડા પ્રધાન તરીકે તમારી નિમણૂક બદલ @kpsharmaoli ને અભિનંદન. હું અમારા બંને દેશો વચ્ચેના મિત્રતાના ગાઢ સંબંધોને વધુ મજબૂત કરવા અને અમારા લોકોની પ્રગતિ અને સમૃદ્ધિ માટે પરસ્પર લાભદાયી સહયોગને વધુ વિસ્તૃત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છું. @PM_nepal_”
નેપાળમાં, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે રાષ્ટ્રપતિ ભવનની મુખ્ય ઇમારત શીતલ નિવાસ ખાતે સવારે કેપી શર્મા ઓલીને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. પ્રમુખ રામચંદ્ર પૌડેલે પણ નવનિયુક્ત 21 મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. કેપી શર્મા ઓલીની આગેવાની હેઠળના મંત્રીમંડળમાં એનસી, યુએમએલ, જનતા સમાજવાદી પાર્ટી-જેએસપી અને લોકતાંત્રિક સમાજવાદી પાર્ટી-એલએસપીના મંત્રીઓનો સમાવેશ થાય છે.
બીજી તરફ નેપાળી કોંગ્રેસના પ્રકાશ માન સિંહ અને સીપીએન-યુએમએલના વિષ્ણુ પ્રસાદ પૌડેલને નાયબ વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ રામ સહાય પ્રસાદ યાદવ, પૂર્વ વડાપ્રધાન અને નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબા, પૂર્વ વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ, હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સ્પીકર દેવરાજ ઘિમીરે અને અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા. નેપાળના બંધારણની કલમ 76(2) હેઠળ, રાષ્ટ્રપતિ પૌડેલે ગઈકાલે CPM-UML અને નેપાળી કોંગ્રેસના ગઠબંધનના નેતા કે.પી. શર્મા ઓલીને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ વખતે તેઓ નેપાળી કોંગ્રેસના સમર્થનથી વડાપ્રધાન બન્યા છે.
