સંસદ સત્રનો ત્રીજો દિવસ: ઓપરેશન સિંદૂર પર ચર્ચાનો સમય 9 કલાક લંબાવાયો
Live TV
-
સંસદના ચોમાસુ સત્રનો બુધવારે ત્રીજો દિવસ છે. લોકસભા અને રાજ્યસભામાં કાર્યવાહી ફરી શરૂ થશે, પરંતુ રાજકીય તણાવને કારણે હંગામો થવાની સંભાવના છે. બુધવારે બપોરે 12:30 વાગ્યે રાજ્યસભામાં બિઝનેસ સલાહકાર સમિતિ (BAC)ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ ઉપરાંત, ઓપરેશન સિંદૂર પર ચર્ચાનો સમય નવ કલાક સુધી લંબાવવામાં આવ્યો છે. ઘણા વિવાદાસ્પદ મુદ્દાઓ વચ્ચે આ ચર્ચા ગૃહનું મુખ્ય કેન્દ્ર રહેશે.
મંગળવારે બંને ગૃહોની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત રહી
મંગળવારના રોજ વિરોધ પક્ષના વિરોધ અને હોબાળાને કારણે બંને ગૃહોની કાર્યવાહી આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવી હતી. આ હોબાળો મુખ્યત્વે બે મુખ્ય મુદ્દાઓને કારણે હતો: બિહારમાં મતદાર યાદીઓના 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR)નું કાર્ય અને ઉપરાષ્ટ્રપતિ તેમજ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડનું અચાનક રાજીનામું.
સત્રના બીજા દિવસની શરૂઆતમાં, વિપક્ષી નેતાઓએ સંસદના 'મકર દ્વાર' બહાર સંયુક્ત વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે ચૂંટણી પંચ પર બિહારમાં ચૂંટણી પહેલા "પક્ષપાતી અને ખોટી" રીતે SIR અભિયાન ચલાવવાનો આરોપ લગાવ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપાના વડા અખિલેશ યાદવ જેવા મોટા નેતાઓએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેઓ ચૂંટણીમાં હેરાફેરીનો આરોપ લગાવતા પ્લેકાર્ડ અને પોસ્ટરો લહેરાવી રહ્યા હતા.
બંને ગૃહોમાં વારંવાર થઇ રહ્યો હતો હોબાળા
જ્યારે ઉપસભાપતિ હરિવંશે અનેક વિપક્ષી સાંસદો દ્વારા રજૂ કરાયેલા સ્થગિત પ્રસ્તાવોને ફગાવી દીધા, ત્યારે હંગામો થયો. સભ્યો ગૃહના વેલમાં ધસી ગયા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. હોબાળાને કારણે રાજ્યસભા પહેલા બપોર સુધી, પછી બપોરે 2 વાગ્યા સુધી અને અંતે આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવી.
લોકસભામાં પણ આવી જ સ્થિતિ રહી. વિપક્ષી સાંસદોએ SIR અભિયાન અને ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગ કરી, પરંતુ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેને મંજૂરી આપી નહીં. આ પછી, વિરોધ અને હોબાળો વધ્યો. વારંવાર મુલતવી રાખ્યા બાદ, આખરે લોકસભાની કાર્યવાહી પણ આખા દિવસ માટે સ્થગિત કરવામાં આવી.
