સ્વતંત્રતા દિવસના પર્વ પર ભારતને વિશ્વભરમાંથી મળી રહી છે શુભેચ્છા
Live TV
-
ભારતના 78મા સ્વતંત્રતા દિવસ પર ભારતીયોને શુભેચ્છા પાઠવતા, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને કહ્યું કે ભાગીદારી માટે અને નિર્ધારિત કરેલા મહત્વાકાંક્ષી લક્ષ્યોને પ્રાપ્ત કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મળીને કામ કરવા આતુર છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જવાબ આપતા કહ્યું કે અમે વૈશ્વિક કલ્યાણને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું. આ દરમિયાન બંને નેતાઓએ તેમની પરસ્પર મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો.
નેપાળ, ભૂતાન અને માલદીવે પણ આપ્યા અભિનંદન
ભારતના પડોશી દેશો નેપાળ, ભૂતાન અને માલદીવમાંથી પણ અભિનંદન સંદેશા આવ્યા હતા. ભૂટાનના વડા પ્રધાન શેરિંગ તોબગેએ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બને.નેપાળના વડા પ્રધાન કેપી શર્મા ઓલીએ શુભેચ્છા પાઠવતા કહ્યું, આ દિવસ આપણા દેશો વચ્ચે મિત્રતા અને સહયોગના બંધનને વધુ મજબૂત બનાવશે.
માલદીવના પ્રમુખ મોહમ્મદ મોઈઝુએ કહ્યું કે ઈતિહાસમાં રહેલી અમારી કાયમી મિત્રતા માલદીવ અને પ્રદેશમાં સમૃદ્ધિ અને વિકાસને પ્રોત્સાહન આપવા માટે વિકસિત થઈ છે. તમામ નેતાઓના અંગત સંદેશાનો જવાબ આપતાં વડાપ્રધાને પરસ્પર સંબંધોની મજબૂતી પર ભાર મૂક્યો હતો.
શ્રીલંકાના વિદેશ મંત્રી એમયુએમ અલી સાબરી, સિંગાપોરના વિદેશ મંત્રી વિવિયન બાલક્રિષ્નન, માલદીવના વિદેશ મંત્રી મુસા ઝમીર, મોરેશિયસના વિદેશ મંત્રી મનેશ ગોબિન અને ઈરાનના વિદેશ મંત્રી અલી બઘેરી કાની તરફથી વ્યક્તિગત અભિનંદન સંદેશા મળ્યા હતા.
ઈરાનના વિદેશ મંત્રીએ કહ્યું કે ઈરાન અને ભારત આપણા સામાન્ય ક્ષેત્રની શાંતિ, સ્થિરતા અને વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
સાથે જ રશિયા, ઈજિપ્ત, એસ્ટોનિયા, ઓમાન, રોમાનિયા, મલેશિયા, લાતવિયા અને યુક્રેનના વિદેશ મંત્રાલય તરફથી પણ શુભકામનાઓ મળી છે. યુક્રેનના વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે અમારા દેશોના પરસ્પર લાભ માટે સંબંધોના વધુ વિકાસ માટે આતુર છીએ.
