2027 સુધીમાં 2 કરોડથી વધુ ખેડૂતો ઓર્ગેનિક ખેતીમાં સામેલ થશે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
Live TV
-
કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું છે કે; દેશમાં 2027 પહેલા 2 કરોડથી વધુ ખેડૂતો ઓર્ગેનિક ખેતીમાં સામેલ થશે. તેમણે કહ્યું કે, ઘણા ખેડૂતો હવે ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે અને સરકાર તેમને તેમના ઓર્ગેનિક ઉત્પાદનોનો લાભ મળે તે માટે કામ કરી રહી છે. અમિત શાહે આજે નવી દિલ્હીમાં નેશનલ કો-ઓપરેટિવ ફોર એક્સપોર્ટ્સ લિમિટેડ (NCEL) ના લોગો, વેબસાઈટ અને બ્રોશર લોન્ચ કરતી વખતે આ વાત કહી હતી.
તેમણે કહ્યું કે, દેશમાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે ઘણી પહેલ કરવામાં આવી છે. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું કે, કેન્દ્રનો હેતુ દેશના સહકારી ક્ષેત્રને મજબૂત કરવાનો છે. ગૃહમંત્રીએ ઉમેર્યું હતું કે; કૃષિ-નિકાસમાં વધારો અને ખેડૂતોને સશક્તિકરણ એ સરકારનો ઉદ્દેશ્ય છે. તેમણે કહ્યું કે, નેશનલ કો-ઓપરેટિવ એક્સપોર્ટ લિમિટેડની રચના સહકારી સંસ્થાઓને નિકાસની તકો સાથે સુવિધા આપવા માટે કરવામાં આવી છે, અને તે ખેડૂતો, સહકારી સંસ્થાઓ અને વૈશ્વિક બજાર વચ્ચે કડીઓ બનાવવામાં મદદ કરશે.
આ પ્રસંગે બોલતા કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે; G20 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સની શરૂઆત કરી હતી અને ભારત આ જોડાણનું નેતૃત્વ કરી રહ્યું છે. જે વિશ્વમાં ઇથેનોલ અને અન્ય બાયોફ્યુઅલ વિશે જાગૃતિ ફેલાવી રહ્યું છે. તેમણે કહ્યું કે, આનાથી માંગમાં વધારો થશે અને ભારત પાસે તે માંગણીઓ પૂર્ણ કરવાની સંભાવનાઓ છે. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, દેશમાં ઘણી કંપનીઓ ઇથેનોલનું ઉત્પાદન કરે છે, જો સહકારી ક્ષેત્ર પણ પહેલ કરે તો દેશ ઇથેનોલની વધતી માંગને પહોંચી વળવા સક્ષમ બનશે.
