PMએ લાલ કિલ્લા પરથી નેશનલ ડીજીટલ હેલ્થ મિશનની કરી જાહેરાત
Live TV
-
દેશ આજે 74મા સ્વતંત્રતા દિવસ પર્વની ઉજવણી કરી રહ્યો છે. લાલ કિલ્લા ખાતે રાષ્ટ્રીય કાર્યક્રમમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજ લહેરાવીને , રાષ્ટ્રજોગ સંબોધન પણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ સંબોધનમાં , આત્મનિર્ભર ભારતનો સંદેશો દોહરાવ્યો હતો. તો લદ્દાખ ખીણ પ્રદેશના ઘટનાક્રમને યાદ કરીને , વીર જવાનોને અંજલિ પણ આપી હતી. સંબોધન દરમિયાન પ્રધાનમંત્રી કોરોના વોરિયર્સને બિરદાવવાનું પણ, ચૂક્યા ન હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 74માં સ્વતંત્રતા પર્વે લાલ કિલ્લાની પ્રાચીર પરથી આજે રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. પ્રધાનમંત્રી મોદીએ તે પહેલાં રાજઘાટ પહોંચીને બાપુને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. લાલકિલ્લા ખાતે પહોંચીને પ્રધાનમંત્રીએ ગાર્ડ ઓફ ઓનરની સલામી પણ ઝીલી હતી. લાલકિલ્લાની પ્રાચીર પરથી દેશને સતત સાતમી વાર સંબોધતાં પ્રધાનમંત્રીએ સ્વાધીનતા સેનાનીઓએ આપેલા બલિદાનને યાદ કરીને દેશવાસીઓને આઝાદી પર્વની શુભેચ્છા આપી હતી.
પ્રધાનમંત્રી મોદીએ સંબોધનના આરંભમાં જ કોરોના વોરિયર્સને નમન કરીને કપરા કાળમાં તેમણે નિભાવેલી ભૂમિકાને બિરદાવી હતી. કોરોના સામેની લડતમાં મૃત્યુને ભેટી ચૂકેલા કોરોના વોરિયર્સના પરિવારો પ્રતિ પ્રધાનમંત્રી મોદીએ સંવેદના પણ વ્યક્ત કરી હતી.
પ્રધાનમંત્રીએ એ વાતની યાદ અપાવી હતી , કે આગામી સ્વાધીનતા પર્વે દેશ આઝાદીના 75મા વર્ષમાં પ્રવેશ કરશે. પ્રધાનમંત્રીએ બાપુના નેતૃત્વમાં આઝાદી માટે થયેલા પ્રયાસોની યાદ તાજી કરાવીને વિસ્તારવાદીઓ સામેના જંગમાં આઝાદીના લડવૈયા કઇ રીતે સફળ થયા તેની પણ માંડીને વાત કરી હતી.
પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે કોરોના મહામારી વચ્ચે ભારતે આત્મનિર્ભર બનવાનો નિર્ધાર કર્યો છે. વિશ્વ જાણે છે કે ભારત જે નક્કી કરે છે તે કરી પણ બતાવે છે. યુવાશક્તિ આત્મનિર્ભર ભારતનો પાયો છે.
આત્મનિર્ભરતાની વ્યાખ્યા સમજવાતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું , કે આત્મનિર્ભરતા એટલે આયાતમાં ઘટાડો કરવો તે જ નહીં, પરંતુ સ્વદેશી સામર્થ્ય અને કૌશલ્યમાં વધારો કરવાનો પ્રયાસ કરવાો , તે પણ છે. તેમણે જણાવ્યું હતું , કે ભારતની માનસિકતા વોકલ ફોર લોકલ હોવી જોઇએ. મહામારી કાળમાં પીપીઇ કીટ્સ,વેન્ટિલેટર્સ બનાવીને ભારતે બતાવી આપ્યું છે કે, તે પોતાનું સામર્થ્ય પુરવાર કરી શકે તેમ છે.પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, ભારતીય શિક્ષણ નીતિ વન નેશન વન ગ્રીડ સહિતના પગલાં , દેશમાં પરિવર્તન લાવી રહ્યા છે. તેને કારણે પ્રત્યક્ષ વિદેશી રોકાણના તમામ રેકર્ડ તુટી ચુક્યા છે. FDIમાં 18 ટકા વૃદ્ધિ થઈ છે. પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું , કે મેક ઇન ઇન્ડિયાની સાથોસાથ મેક ફોર વર્લ્ડના મંત્રને પણ સાકાર કરવાનો છે.
પ્રધાનમંત્રીએ આજથી નેશનલ ડિજિટલ હેલ્થ મીશન શરૂ થયાની જાહેરાત પણ કરી હતી. તેમણે કહ્યું હતું કે પ્રત્યેક નાગરિકને હેલ્થ આઇડી આપવામાં આવશે. પ્રધાનમંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, દેશમાં કોરોના સામે લડત આપવા ત્રણ વેક્સિન પર કામ ચાલી રહ્યું છે.
લદ્દાખના ઘટનાક્રમને યાદ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે દેશના જવાનોએ એલઓસીથી માંડીને એલએસી પર દેશની સંપ્રભુતા પર જેમણે પણ આંખ ઉઠાવી હોય તેમને તેમની ભાષામાં જ જવાબ આપ્યો છે.. દેશની સંપ્રભુતાના રક્ષણ માટે દેશ જોશથી ભરેલો છે. લદ્દાખમાં વિશ્વે આ જોશ જોઇ લીધું છે. માતૃભૂમિ પર ન્યોછાવર થઇ ચુકેલા તમામ વીર જવાનોને નમન કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત આતંકવાદ અને વિસ્તારવાદ બંનેનો સામનો કરી રહ્યું છે.
