UCC (સમાન નાગરિક ધારો) માટે રચાયેલ નિષ્ણાત સમિતિએ તૈયાર કરેલ ડ્રાફ્ટ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીને સોંપ્યો
Live TV
-
યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ કરવાના હેતુથી ડ્રાફ્ટ તૈયાર કરવા માટે રચાયેલી નિષ્ણાત સમિતિએ આજે (શુક્રવારે) સવારે મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીને ડ્રાફ્ટ સુપરત કર્યો હતો. ઉત્તરાખંડ સરકાર 6 ફેબ્રુઆરીએ વિધાનસભામાં UCC બિલ તરીકે રજૂ કરી શકે છે.
મુખ્યમંત્રીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ડ્રાફ્ટની સમીક્ષા કર્યા પછી, તેઓ આગામી વિધાનસભા સત્રમાં બિલ લાવીને રાજ્યમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની દિશામાં આગળ વધશે.
સમિતિ દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)ના ડ્રાફ્ટને રાજ્ય સરકારને સોંપવા માટે દહેરાદૂનમાં આયોજિત એક કાર્યક્રમમાં, સુપ્રીમ કોર્ટના જસ્ટિસ (નિવૃત્ત) રંજના દેસાઈની અધ્યક્ષતામાં 5 સભ્યોની નિષ્ણાત સમિતિએ રજૂઆત કરી હતી.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી કહ્યું હતું કે, ઉત્તરાખંડ UCC લાગુ કરનાર પ્રથમ રાજ્ય બનશે. તેમણે કહ્યું હતું કે, આજે અમે ઉત્તરાખંડના લોકોને જે વચન આપ્યું હતું તે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. લોકો ઘણા સમયથી આ દિવસની રાહ જોઈ રહ્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે, આ ડ્રાફ્ટ આગામી વિધાનસભા સત્રમાં ગૃહના ટેબલ પર મૂકવામાં આવશે.
યુનિફોર્મ સિવિલ કોડ (UCC) દેશમાં રહેતા તમામ ધર્મો અને સમુદાયોના લોકો માટે સમાન કાયદાની હિમાયત કરે છે. અત્યારે દરેક ધર્મ અને જાતિનો અલગ કાયદો છે, જે મુજબ લગ્ન અને છૂટાછેડા જેવી અંગત બાબતોમાં નિર્ણય લેવામાં આવે છે. તેના અમલ પછી, લગ્ન નોંધણી, છૂટાછેડા, બાળક દત્તક લેવા અને મિલકતના વિભાજન જેવી બાબતોમાં સમાન કાયદો દરેક ધર્મ અને જાતિના નાગરિકોને લાગુ પડશે.
