આણંદ - રોકડિયા દેવ હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા-દ્વિતીય શતાબ્દી મહોત્સવ યોજાયો
Live TV
-
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલા, સાંસદ મિતેષભાઈ પટેલ(બકાભાઈ) એ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપી હાજરી
આણંદમાં રોકડીયા દેવ હનુમાનજી મહારાજની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ-દ્વિતીય શતાબ્દી મહોત્સવમાં આજે કેન્દ્રય કૃષિ રાજ્યમંત્રી પરષોત્તમ રૂપાલા દર્શન કરવા માટે પહોચ્યા હતા..આ પ્રસંગે પરષોત્તમ રુપાલાએ જણાવ્યુ હતુ કે રાજ્યમાં નાના બાળકોને કુપોષણથી મુક્તિ મળે અને કુપોષણ મુક્ત ગુજરાત બને તે માટે સંતો આગળ આવે..અને રાજ્ય સરકારના અભિયાનમાં મદદ કરવા આહવાન કર્યુ હતુ..કણભા સ્થિત સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગભૂષણ સ્વામી દ્વારા કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલા અને આણંદના સાંસદ મિતેષભાઈ પટેલનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતુ..
વ્યાખ્યાનમાળામાં મનનીય વક્તવ્ય આપતા સ્વામિનારાયણ ગુરૂકુળ, કણભાના પૂ. સદગુરુ ન્યાલકરણદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે જીવનમાં સુખી થવા માટેની માસ્ટર-કી એટલે ક્ષમા. અપમાન,અગવણના થાય તે સમયે જો ક્ષમા ધારણ કરીએ તો અંતરમાં શાંતિ વર્ત. બ્રહ્મનિષ્ઠ અને ધ્યાનનિષ્ઠ સંત પૂજ્ય ધ્યાનસ્વામિજીના જીવનમાંથી અપમાનના અનેક પ્રસંગો બનેલા હતા. સમર્થ હોવા છતાં પૂજ્ય સ્વામીજીએ ક્ષમા આપી, તેના મીઠા ફળો સંતો -ભક્તો ભોગવી રહ્યા છે. પૂજ્ય ન્યાલકરણ સ્વામીએ ગૃહસ્થો તેમના ઘરે ઘરસભા, ભગવાનના ભજન ભક્તિ, કીર્તન અને નીતિ નિયમો સાથેનું સાત્વિક જીવન જીવે તેવો અનુરોધ કર્યો હતો.
મહોત્સવમાં અખિલ ભારતીય સંત સેવા સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂ. શ્રી અવિચલદાસજી મહારાજ (સારસા પીઠ)એ જણાવ્યું હતું કે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે મારો ઘનિષ્ઠ સંબંધ છે. સમાજ વ્યવસ્થા-જ્ઞાતિવ્યવસ્થાને જોડતી કડીરૂપ એવા હનુમાનજી મહારાજ દેવ છે તેવો ઉલ્લેખ કરીને આદિવાસી વિસ્તારોમાં હનુમાનજી મહારાજ પ્રભાવની તેમણે વાત કરી હતી.સમૂહ મહાપૂજાનો પ્રારંભ કરાવતા પૂ.લાલજી મહારાજ સૌરભ પ્રસાદજીએ જણાવ્યું હતું કે જીવનમાં ભક્તિ, નિયમ, ધર્મ અને સત્સંગને જો આપણે રાખીએ તો કોઈ પ્રકારનું દુ:ખ ન આવે. વડતાલ ટેમ્પલ બોર્ડના અધ્યક્ષ પૂ.દેવપ્રકાશદાસજી સ્વામીએ જણાવ્યું હતુ કે,વડતાલ દેશમાં પ.પૂ. સદગુરુ ધ્યાની સ્વામીજી પધાર્યા એ અમારા સૌ તથા સમસ્ત વડતાલ સત્સંગ સમાજ માટે અતિ આનંદ અને ખુશીની ઘટના હતી. તેમણે સ્વામિનારાયણ ભગવાન અને હનુમાનજી મહારાજના પ્રસંગો વર્ણવી હનુમાનજી મહારાજની દાસત્વ ભક્તિને જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે વડતાલ પીઠાધિપતિ પ.પૂ.આચાર્યશ્રી રાકેશપ્રદાસજી મહારાજ, બોલેરાના મહંત પ.પૂ.સદગુરુ શ્રીરામકૃષ્ણદાસજી સ્વામી, સુરતથી કલાકુંજ મંદિરના પૂ. વિવેકસાગરદાસજી સ્વામી તથા વિવિધ ધામથી પધારેલા સંતોએ આશીર્વચનો આપ્યા હતા. વિશ્વ વ્યાપી દેવ હનુમાનજી મહારાજના જન્મથી લઈને એમના જીવનને આવરી લેતાં પ્રસંગોનો વિશ્વનો સૌપ્રથમ એવો મલ્ટીમીડિયા શોનો લાભ આણંદ તથા આસપાસની જનતા મોટા પ્રમાણમાં લઈ રહી છે. ઉપરાંત શ્રી હનુમાનજી મહારાજના જીવન ચરિત્ર અને રામાયણના અનેક પ્રસંગો તેમજ શ્રી સ્વામિનારાયણ પ્રભુ અને હનુમાનજી મહારાજના પ્રસંગોનું જીવંત પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે. શ્રી મહાબલી હનુમાન ગૌરવગાથા મલ્ટીમીડિયા લાઈટ એન્ડ સાઉન્ડ શોના મુખ્ય સૂત્રધાર મુંબઈના નીખિલ કામથે આ પ્રસંગે ઉપસ્થિત રહીને સંતોના આશીર્વચન લીધા હતા. મહોત્સવમાં યોજાયેલ રકતદાન કેમ્પમાં ૧૦૦ લોકોએ રક્તનું દાન કર્યુ હતું. આ ઉપરાંત સમૂહ મહાપૂજામાં ૧૨૦૦ જેટલા ભાવિક ભક્તજનોએ ભાગ લઈને ષોડશોપચારે મહાપૂજાનો લાભ લીધો હતો.
