છોટાઉદેપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગૌરવગાથા
Live TV
-
છોટાઉદેપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગૌરવગાથા: 49,257 લાભાર્થીઓને મળ્યું પાકું ઘર, રાજ્યમાં ત્રીજો ક્રમ
પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) ગ્રામીણ ક્ષેત્રના ગરીબ અને કાચાં મકાનોમાં રહેતા પરિવારો માટે એક આશીર્વાદરૂપ બની રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં આ યોજનાની શરૂઆત થઈ ત્યારથી છેલ્લા સાત વર્ષમાં નોંધપાત્ર સફળતા હાંસલ થઈ છે, જેના પરિણામે જિલ્લાએ રાજ્યમાં ત્રીજો ક્રમ મેળવીને ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
હજારથી વધુ લાભાર્થીઓને મંજૂરી
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના આંકડા મુજબ, યોજના શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા કુલ 57,160 જેટલા લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આવાસ મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂર થયેલા આવાસ પૈકી 49,257 જેટલા આવાસના કામ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યા છે. આ આવાસ પૂર્ણ થતાં જ લાભાર્થીઓ હવે કાચાં મકાનને બદલે પાકા અને સુરક્ષિત મકાનમાં નિવાસ કરી રહ્યાં છે. હાલમાં, બીજા 3,903 જેટલા આવાસના કામ પ્રગતિમાં છે, જે ટૂંક સમયમાં પૂર્ણ થશે.
બીજા તબક્કામાં 92 હજારથી વધુનું સર્વેક્ષણ
પ્રથમ તબક્કાની સફળતા બાદ હવે બીજા તબક્કાની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે. જિલ્લામાં બીજા તબક્કાના આવાસ માટેના સર્વેની કામગીરી દરમિયાન કુલ 92,027 જેટલા લાભાર્થીઓનો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આવાસ માટે સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વેક્ષણ દર્શાવે છે કે હજુ પણ જિલ્લાના મોટી સંખ્યામાં પરિવારોને પાકાં મકાનોની જરૂરિયાત છે, જેના માટે તંત્ર દ્વારા ઝડપથી કામગીરી હાથ ધરવામાં આવશે.
છોટાઉદેપુર જિલ્લાએ આવાસ યોજનાના અમલીકરણમાં રાજ્યમાં ત્રીજો ક્રમ મેળવ્યો છે, જે જિલ્લા વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને લાભાર્થીઓના સહકારને આભારી છે.
