છોટાઉદેપુર: પાનવડની મહિલાઓએ હાથવણાટના પાપડ દ્વારા આત્મનિર્ભરતાની મિસાલ રજૂ કરી
Live TV
-
છોટાઉદેપુર: પાનવડની મહિલાઓએ હાથવણાટના પાપડ દ્વારા આત્મનિર્ભરતાની મિસાલ રજૂ કરી
દેશમાં જ્યારે આધુનિક મશીનરીનો યુગ ચાલી રહ્યો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના પાનવડ ગામની મહિલાઓએ પોતાની વર્ષો જૂની પરંપરાગત કળાને જ આજીવિકાનું સાધન બનાવી દીધું છે. ગામના સ્થાનિક સખી મંડળની મહિલાઓએ કોઈ પણ મશીનરીની મદદ વગર, શુદ્ધ દેશી પદ્ધતિથી હાથથી વણેલા પાપડનો ગૃહ ઉદ્યોગ શરૂ કરીને આર્થિક સદ્ધરતાની નવી દિશા કંડારી છે.
હાથવણાટના પાપડનો અનોખો સ્વાદ
આ ગૃહ ઉદ્યોગની સૌથી મોટી વિશેષતા એ છે કે અહીં પાપડ બનાવવામાં કોઈ ટેકનોલોજીનો ઉપયોગ થતો નથી. મહિલાઓ જૂની પરંપરા મુજબ હાથથી લોટ બાંધીને મહેનતથી પાપડ વણે છે.મશીન વગર હાથથી વણેલા હોવાથી આ પાપડનો સ્વાદ મશીનરી પાપડ કરતા વધુ સ્વાદિષ્ટ અને કુદરતી હોય છે. આ અનોખા સ્વાદને કારણે હવે માત્ર ઘરોમાં જ નહીં, પરંતુ લગ્ન પ્રસંગો અને સામાજિક મેળાવડાઓમાં પણ આ પાપડની ભારે માંગ જોવા મળી રહી છે. સખી મંડળને હવે જથ્થાબંધ ઓર્ડરો મળવાની શરૂઆત થઈ છે.
સશક્તિકરણ અને પરંપરાનું જતન
આ ઉદ્યોગ દ્વારા ગામની અનેક મહિલાઓને ઘરબેઠાં રોજગારી મળી છે, જે તેમને આર્થિક રીતે સશક્ત બનાવી રહી છે. પ્રધાનમંત્રીના 'વોકલ ફોર લોકલ' ના આહવાનને સાકાર કરતા આ મહિલાઓ માત્ર પોતાનું ગુજરાન જ નથી ચલાવી રહી, પરંતુ લુપ્ત થતી જતી દેશી હાથવણાટની પરંપરાને પણ જીવંત રાખી રહી છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, પાનવડની આ બહેનોએ સાબિત કરી દીધું છે કે જો મક્કમ ઈરાદો હોય, તો જૂની પરંપરાઓ દ્વારા પણ આધુનિક બજારમાં સ્થાન બનાવી શકાય છે.
