અંડર-19 વર્લ્ડ કપ: 30 બાઉન્ડ્રી સાથે 175 રન! ફાઈનલમાં વૈભવ સૂર્યવંશીએ રેકોર્ડ્સની ઝડી લગાવી
Live TV
-
વૈભવ સૂર્યવંશીએ અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે માત્ર 80 બોલમાં 15 છગ્ગા સાથે 175 રનની ઐતિહાસિક ઇનિંગ રમી અનેક વિશ્વ વિક્રમો સ્થાપ્યા છે. તે અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર બનાવનાર અને એક જ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 30 છગ્ગા મારનાર ખેલાડી બની ગયો છે. આ સાથે જ તેણે માત્ર 71 બોલમાં સૌથી ઝડપી 150 રન પૂરા કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.
વૈભવ સૂર્યવંશીએ અંડર-19 વર્લ્ડ કપ 2026ની ફાઈનલમાં ઐતિહાસિક ઇનિંગ રમીને અનેક રેકોર્ડ તોડી નાખ્યા છે. ઇંગ્લેન્ડ સામે શુક્રવારે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં માત્ર 80 બોલમાં 175 રન ફટકાર્યા હતા. તેની આ ઇનિંગમાં 15 છગ્ગા અને 15 ચોગ્ગા સામેલ હતા.
આ સાથે જ વૈભવ અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા મારનાર, અંડર-19માં સૌથી ઝડપી 150 રન બનાવનાર અને વર્લ્ડ કપ ફાઈનલમાં સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર બનાવનાર ખેલાડી બની ગયો છે. ચાલો આ રેકોર્ડ્સ વિશે વિગતવાર જાણીએ:
વર્લ્ડ કપ ફાઈનલનો સર્વોચ્ચ સ્કોર
વૈભવ સૂર્યવંશીએ 175 રનની ઇનિંગ રમી, જે અંડર-19 વર્લ્ડ કપ ફાઈનલના ઇતિહાસમાં કોઈપણ ખેલાડી દ્વારા બનાવવામાં આવેલો સર્વોચ્ચ સ્કોર છે. આ યાદીમાં ઉન્મુક્ત ચંદ (111 રન, 2012) હવે બીજા સ્થાને છે. ત્યારપછી બ્રેટ વિલિયમ્સ (108), સ્ટીફન પીટર્સ (107) અને મનજોત કાલરા (101) નો નંબર આવે છે.
વર્લ્ડ કપના એક સંસ્કરણમાં સૌથી વધુ છગ્ગા
વૈભવ હવે અંડર-19 વર્લ્ડ કપના એક જ સંસ્કરણમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી બની ગયો છે. તેણે આ ટૂર્નામેન્ટમાં કુલ 30 છગ્ગા ફટકાર્યા છે. આ સાથે તેણે સાઉથ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસનો રેકોર્ડ (18 છગ્ગા, 2022) તોડી નાખ્યો છે.
વૈભવે ફાઈનલ મેચમાં 15 છગ્ગા ફટકાર્યા હતા. તે અંડર-19 વર્લ્ડ કપની એક જ ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બન્યો છે. તેણે ઓસ્ટ્રેલિયાના માઈકલ હિલ (12 છગ્ગા, 2012) નો રેકોર્ડ માત આપી છે.
સૌથી ઝડપી 150 રનનો વર્લ્ડ રેકોર્ડ
વૈભવના નામે હવે અંડર-19 ક્રિકેટમાં સૌથી ઝડપી 150 રન બનાવવાનો રેકોર્ડ નોંધાયો છે, તેણે આ સિદ્ધિ માત્ર 71 બોલમાં મેળવી હતી. આ પહેલા ઇંગ્લેન્ડના બેન મેયસે 98 બોલમાં 150 રન બનાવ્યા હતા.
સૌથી ઝડપી સદી
અંડર-19 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદીના મામલે વૈભવ હવે બીજા સ્થાને પહોંચી ગયો છે. તેણે માત્ર 55 બોલમાં સદી પૂર્ણ કરી હતી. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનો વિલ માલાજચુક (51 બોલ) પ્રથમ ક્રમે છે.
