ભારતીય ટીમને મોટો ઝટકો: જેમીમા રોડ્રિગ્સ ઈજાને કારણે એશિયા કપ-એશિયન ગેમ્સમાંથી બહાર
Live TV
-
જેમીમાને જમણા પગના હેમસ્ટ્રિંગમાં ગંભીર ઈજાને કારણે બંને મુખ્ય ટુર્નામેન્ટમાંથી બહાર નીકળવું પડ્યું છે. 25 વર્ષીય ખેલાડીને 3 ઓગસ્ટના રોજ ઈંગ્લેન્ડમાં 'ધ હન્ડ્રેડ' ટુર્નામેન્ટમાં સધર્ન બ્રેવ ટીમ તરફથી રમતી વખતે આ ઈજા થઈ હતી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમને મોટો ફટકો પડ્યો છે. સ્ટાર બેટ્સમેન જેમીમા રોડ્રિગ્સ ઈજાને કારણે UAEમાં એશિયા કપ અને જાપાનમાં એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગઈ છે. જેમીમાને જમણા પગના હેમસ્ટ્રિંગમાં ગંભીર ઈજાને કારણે બંને મુખ્ય ટુર્નામેન્ટમાંથી બહાર નીકળવું પડ્યું છે. 25 વર્ષીય ખેલાડીને 3 ઓગસ્ટના રોજ ઈંગ્લેન્ડમાં 'ધ હન્ડ્રેડ' ટુર્નામેન્ટમાં સધર્ન બ્રેવ ટીમ તરફથી રમતી વખતે આ ઈજા થઈ હતી, જેના કારણે તેણી તે ટુર્નામેન્ટની બાકીની મેચો ગુમાવી પડી હતી.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર જાહેરાત કરી, "BCCI મેડિકલ ટીમે બેંગલુરુમાં સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે જેમીમાનું મૂલ્યાંકન કર્યું હતું અને તપાસમાં ગંભીર ઈજાની પુષ્ટિ થઈ હતી. પરિણામે, તેણીને UAEમાં ACC મહિલા એશિયા કપ અને જાપાનમાં એશિયન ગેમ્સમાંથી બહાર કરવામાં આવી છે."
BCCIએ કહ્યું હતું કે, પ્રતિકા રાવલને જેમીમા રોડ્રિગ્સના સ્થાને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી છે. પ્રતિકાએ હજુ સુધી T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો નથી, પરંતુ તેણે 27 ODI રમી છે અને 1,189 રન બનાવ્યા છે. તે 2025 મહિલા ODI વર્લ્ડ કપ જીતનાર ટીમનો પણ ભાગ હતી.
ખેલાડીએ આ વર્ષની શરૂઆતમાં પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યૂમાં અડધી સદી ફટકારી હતી. જુલાઈમાં ટાઉન્ટનમાં ભારત A અને ઇંગ્લેન્ડ A વચ્ચેની બીજી ODI દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ઘૂંટણની ઇજા થતાં પ્રતિકા લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે ભારતની ઐતિહાસિક ટેસ્ટ જીતનો ભાગ બનવાનું ચૂકી ગઈ હતી.
પ્રતિકા 19 ઓગસ્ટથી વોરવિકશાયર સાથે વન ડે કપમાં રમવાની હતી, પરંતુ મહિલા એશિયા કપ માટે તેની પસંદગી બાદ હવે તેણે તે પ્રતિબદ્ધતામાંથી ખસી જવું પડશે. સાત વખતની ચેમ્પિયન ભારતીય ટીમ 30 ઓગસ્ટે થાઇલેન્ડ સામે તેના અભિયાનની શરૂઆત કરશે, ત્યારબાદ 3 સપ્ટેમ્બરે હોંગકોંગ-ચીન સામે મેચ રમશે. ભારતીય ટીમનો કટ્ટર હરીફ પાકિસ્તાન સામેનો મહત્વપૂર્ણ મુકાબલો 5 સપ્ટેમ્બરે યોજાવાનો છે. ટુર્નામેન્ટની બધી મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. સેમિફાઇનલ 10 અને 11 સપ્ટેમ્બરના રોજ રમાશે અને ફાઇનલ મેચ 13 સપ્ટેમ્બરના રોજ રમાશે.
એશિયા કપ માટે ભારતની અપડેટેડ ટીમ: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઇસ-કેપ્ટન), શેફાલી વર્મા, ભારતી ફુલમાલી, દીપ્તિ શર્મા, રિચા ઘોષ (વિકેટકીપર), જી. કમલિની (વિકેટકીપર), અરુંધતી રેડ્ડી, પ્રેમા રાવત, રાધા યાદવ, શ્રી ચારણી, રેણુકા ઠાકુર, નંદની શર્મા, ક્રાંતિ ગૌડ અને પ્રતિકા રાવલ.
