વર્લ્ડ કપ-2023: શુભમન ગિલ અફઘાનિસ્તાન સામે પણ નહીં રમી શકે
Live TV
-
વર્લ્ડ કપમાં ગઈકાલે ભારતીય ક્રિકેટ ટીમે પોતાની પહેલી મેચમાં ઓસ્ટ્રેલિયા સામે શાનદાર વિજય મેળવ્યો હતો. હવે 11 ઓક્ટોબરે ભારતની અફઘાનિસ્તાન સામે બીજી મેચ છે. ઓસ્ટ્રેલિયાની જેમ અફઘાનિસ્તાનને હંફાવવા ભારતીય ક્રિકેટ સંપૂર્ણ રીતે તૈયાર છે. ત્યારે ભારતીય ટીમના ફેન્સને ઝટકો મળે તેવા સમાચાર મળી રહ્યા છે. કેમ કે ભારતીયના ધુરંધર ઓપનર બેટ્સમેન શુભમન ગિલ 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામે પણ નહીં રમી શકે. તેની ગેરહાજરીમાં ઇશાન કિશને ભારત માટે બેટિંગની શરૂઆત કરી હતી પરંતુ તે શૂન્ય પર આઉટ થયો હતો.
BCCIએ શુભમન ગિલ અંગે સત્તાવાર પુષ્ટિ કરી છે. મહત્વનું છે કે વર્લ્ડ કપની પહેલી મેચ પહેલા શુભમન ગિલ ડેન્ગ્યુની બિમારીના શિકાર થયા હતા. ત્યારબાદ તે હજુ સુધી અસ્વસ્થ છે. અને અસ્વસ્થતાના કારણે તેઓ 11 ઓક્ટોબરે અફઘાનિસ્તાન સામેની મેચનો પણ હિસ્સો નહીં બની શકે.
BCCIએ જણાવ્યુ કે, શુભમન ગિલ ભારતીય ટીમ સાથે દિલ્હી નહીં જાય, તે ચેન્નાઈમાં જ રહેશે જ્યાં તેની તબીબી ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવશે. મહત્વનું છે કે, 11 ઓક્ટોબરે દિલ્હીમાં અફઘાનિસ્તાનનો સામનો કર્યા બાદ ભારત 14 ઓક્ટોબરે પાકિસ્તાન સામેની મોટી ટક્કર માટે અમદાવાદ જશે.
