World Cup 2023: ભારતે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને હરાવી વિજયી શરુઆત કરી
Live TV
-
ક્રિકેટ વિશ્વકપ 2023માં ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવીને વિજયી શરુઆત કરી છે.
ચેન્નાઈમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચમાં પ્રથમ બેટિંગ કરતાં ઓસ્ટ્રેલિયાની ટીમ 199 રન પર ઓલ આઉટ થઈ હતી. ભારતીય બોલરોની શાનદાર બોલિંગ સામે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન વધુ રન નહોતા બનાવી શક્યા. સ્ટીવ સ્મિથે ટીમ માટે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. સાથે જ વોર્નરે 41, લાબુશેને 27 અને સ્ટાર્કે 28 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજાએ 3 વિકેટ ઝડપી હતી. તો બુમરાહ અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી. આ સાથે હાર્દિક પંડ્યા, સિરાઝ અને આર. અશ્વિને પણ 1-1 વિકેટ ઝડપી ઓસ્ટ્રેલિયાની ટીમને 49.3 ઓવરે 199 રનના સ્કોર પર ઓલઆઉટ કરી હતી.
200 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરુઆત ખુબ જ ખરાબ રહી હતી. ઓપનર બેટ્સમેન રોહિત શર્મા અને ઈશાન કિશન 0 રન પર આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ શ્રેયસ અય્યર પણ 0 રન પર હેઝલવુડના બોલનો શિકાર બની વોર્નરના હાથે કેચ આઉટ થયો હતો. જો કે ત્યાર બાદ વિરાટ કોહલી અને કે.એલ રાહુલે મેચ સંભાળી હતી. કોહલી અને રાહુલે ધીમી પણ મક્કમ ગતિ સાથે ટીમ ઈન્ડિયાને જીત તરફ લઈ ગયા હતા. કોહલીએ 85 રનની શાનદાર ઈનિંગ રમીને મહત્વનું યોગદાન આપ્યું હતું. તો કે.એલ રાહુલે પણ 97 રનની અણનમ ઈનિંગ રમી હતી. વિરાટ કોહલીના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલા હાર્દિક પંડ્યાએ પણ 8 બોલમાં 11 રન બનાવી અણનમ રહ્યો હતો. ભારતે 41.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 201 રન બનાવી વર્લ્ડ કપ 2023ની પ્રથમ જીત નોંધાવી હતી.
