હિન્દી ફિલ્મોના જાણીતા ગાયિકા અલ્કા યાજ્ઞિકને આવ્યો વાઈરલ એટેક, સાંભળવાની ક્ષમતા પર થઈ અસર
Live TV
-
હિન્દી ફિલ્મોના પ્રસિદ્ધ ગાયિકા અલ્કા યાજ્ઞિકના ચાહકો માટે આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અલ્કા યાજ્ઞિક હવેથી ઘોંઘાટવાળા મ્યુઝિકથી દૂર રહેશે તેવું તેમણે ઈન્સ્ટાગ્રામની તેમની પોસ્ટમાં જણાવ્યુ છે. એવું તો શુ થયુ કે સુરોના સંગમ સાથે જીવતા અલ્કા યાજ્ઞિકને સંગીતથી દૂર થવાની ફરજ પડી તેવો પ્રશ્ન ચોક્કસપણે થાય. આ સવાલનો જવાબ ખુદ અલ્કા યાજ્ઞિકે તેમની પોસ્ટમાં આપ્યો છે.
સુરસામ્રાજ્ઞિ અલ્કા યાજ્ઞિકનું નામ હિન્દી ફિલ્મ સંગીત ક્ષેત્રે જાણીતુ છે. 90ના દશકની જાણીતી ગાયિકા આજે પણ યુવા દિલો પર તેના મધુર અવાજ થકી રાજ કરે છે. ટીવી પર પણ અનેક સંગીત સ્પર્ધાઓમાં જજ તરીકેની ભૂમિકા ભજવનાર અલ્કા યાજ્ઞિકે ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર તેમના ચાહકોને આઘાતજનક સમાચાર આપ્યા છે. અલ્કા યાજ્ઞિકે આ પોસ્ટમાં જણાવ્યુ છે કે ઘોંઘાટવાળા સંગીતથી તેમને દૂર રહેવા તબીબોએ સલાહ આપી છે. આ અંગે અલ્કા યાજ્ઞિક આગળ જણાવે છે કે એક દિવસ તેઓ એક ફ્લાઈટમાંથી બહાર નીકળ્યા ત્યારે અચાનક જ તેમને લાગ્યુ કે તેમને કંઈ જ સંભળાતુ જ નથી. આ ઘટના બાદ અલ્કાએ ડોક્ટરનો સંપર્ક કર્યો તો તબીબોએ નિદાન કર્યુ કે વાઈરલ એટેકના કારણે અલ્કા યાજ્ઞિકની સાંભળવાની શક્તિને અસર પહોંચી છે. આ વાઈરલ એટેકના કારણે એક રેર સેન્સરી ન્યુરલ નર્વ હિયરીંગ લોસના સ્વરુપે આ બિમારીનું નિદાન કરવામાં આવ્યુ છે. જેના પગલે હવે અલ્કા યાજ્ઞિકને ઘોંઘાટવાળા સંગીતથી દૂર રહેવા તબીબોએ સલાહ આપી છે. અલ્કા યાજ્ઞિક પોતે પણ આ નિદાનથી આઘાત અનુભવી રહ્યા છે. અલ્કા જણાવે છે કે જીવનમાં અચાનક આવેલા આ ઝટકાથી મને ખૂબ આઘાત લાગ્યો છે પણ હું આ પરિસ્થિતિમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી છુ અને મને મારા ચાહકોની પ્રાર્થનાની જરુર છે.
અલ્કા યાજ્ઞિકે તેમના સાથી ગાયક કલાકારો, યુવા ચાહકો તેમજ તમામને પોસ્ટમાં સલાહ આપી છે કે તેઓ પણ અત્યંત ઊંચા કે ઘોંઘાટભર્યા સંગીતવાળા વાતાવરણથી તેમજ હેડફોનથી દૂર રહો. જેથી ભવિષ્યમાં સાંભળવામાં કોઈ પ્રકારની સમસ્યાઓનો સામનો ન કરવો પડે. અલ્કાએ તેની પોસ્ટમાં પ્રશંસકોને પોતો ઝડપથી મળશે તેવી આશા વ્યકત કરી છે.