અનુસૂચિત જાતિની વિવિધ યોજનાઓના લાભાર્થીઓની પસંદગી માટે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપભાઈ પરમારના હસ્તે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરાયો
Live TV
-
ડ્રોમાં પસંદગી પામેલા ૧૦૫૩ લાભાર્થીઓને અપાશે રૂ.૩૪.૭૫ કરોડના યોજનાકીય લાભ
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી પ્રદિપભાઇ પરમારના હસ્તે ગાંધીનગર ખાતેથી ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન-ગાંધીનગરની વિવિધ યોજનાઓના લાભાર્થીઓની પસંદગી માટે ગાંધીનગર ખાતે કોમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો કરાયો હતો. જેમાં વિવિધ યોજનાઓ હેઠળ કુલ ૧,૦૫૩ લાભાર્થીઓની પસંદગી કરવામા આવી છે જેમને રૂ. ૩૪.૭૫ કરોડના ધિરાણ આપવામાં આવશે. મંત્રી પ્રદિપભાઇ પરમારે જણાવ્યું હતું કે, ગતિશિલ ગુજરાતના પથદર્શક, નીડર અને નિર્ણાયક વ્યક્તિત્વ ધરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના જન્મ દિવસ તથા વિશ્વ યુવા કૌશલ્ય દિવસના આ શુભ અવસરે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળની વિવિધ યોજનાઓના લાભ પ્રાપ્ત કરનાર તમામ ૧૦૫૩ કર્મવીરોને નવી રોજગારી પ્રાપ્ત થશે અને તેમના પરિવારનું જીવન સ્તર ઉપર આવશે.
મંત્રીએ ઉમેર્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સમગ્ર રાષ્ટ્ર વિકાસના પથ પર સતત પ્રગતિ કરી રહ્યું છે. દેશના વિકાસને વેગ આપવા ગુજરાત સરકાર પણ સતત કાર્યશીલ છે. આજના દિવસે પસંદગી પામેલા આ કર્મવીરો તેમના નવા વ્યવસાયો થકી આત્મનિર્ભર બને અને ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ના સૂત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરી રાષ્ટ્રના વિકાસમાં તેમનું સક્રિય યોગદાન આપશે તેવી આશા પણ મંત્રીએ વ્યક્ત કરી હતી. ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશનની કેન્દ્ર સરકાર સહાયિત યોજનાઓ અંતર્ગત ટ્રેક્ટર-ટ્રોલીની યોજનામાં ૨૧૨ લાભાર્થીઓને રૂ.૧૫.૧૨ કરોડ, મોબાઇલ ફૂડકોર્ટ વાન યોજનામાં ૦૧ લાભાર્થીને રૂ. ૦.૦૬ કરોડ, નાના પાયાની યોજનામાં ૨૦ લાભાર્થીઓને રૂ. ૦.૧૯ કરોડ, માલ વાહક ફોર વ્હીલર યોજનામાં ૨૭ લાભાર્થીઓને રૂ. ૧.૬૭ કરોડ, ફોર વ્હીલર પેસેન્જર ટેક્ષી યોજનામાં ૫૨ લાભાર્થીઓને રૂ. ૩.૨૧ કરોડ અને થ્રી વ્હીલરની યોજનામાં ૧૪૩ લાભાર્થીઓને રૂ. ૨.૯૨ કરોડ મળીને કુલ રૂ. ૨૩.૪૬ કરોડના ધિરાણ માટે ૪૬૨ લાભાર્થીઓની પસંદગી કરવામાં આવી છે.
આ ઉપરાંત રાજ્ય સરકાર સહાયિત યોજનાઓમાં નાના પાયાની યોજનામાં ૪૦૫ લાભાર્થીઓને રૂ. ૫.૮૭ કરોડ, ફોર વ્હિલ વાહન આપવાની યોજનામાં ૩૪ લાભાર્થીઓને રૂ. ૧.૬૨ કરોડ તેમજ થ્રી વ્હીલરની યોજનાઓમાં ૧૫૨ લાભાર્થીઓને રૂ.૩.૮૦ કરોડ મળીને કુલ રૂ.૧૧.૨૯ કરોડના ધિરાણ માટે ૫૯૧ લાભાર્થીઓની પસંદગી કરાઇ હતી.
આ પ્રસંગે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, નિગમના મેનેજીંગ ડિરેક્ટર પ્રકાશ સોલંકી તેમજ વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.
