અમદાવાદ : સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના આયોજન સંદર્ભે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
Live TV
-
અમદાવાદ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વર્ષે અમદાવાદ જિલ્લાના બાવળા ખાતે કરવામાં આવશે. જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી પૂર્વ સુચારુ આયોજન અંગે જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત યોજાયેલી આ બેઠકમાં જિલ્લા કલેકટરે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે કાર્યક્રમના આયોજન સંદર્ભે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત જે-તે વિભાગોને ફાળવેલ કામગીરી સુનિશ્રિત રીતે થાય તે બાબતે પણ ચર્ચા કરી હતી.
જિલ્લા કલેકટર પ્રવીણા ડી.કે. એ જિલ્લાના તમામ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થાય તે બાબતે પણ તાલુકા વહીવટીતંત્રને સૂચન કર્યું હતું. વધુમાં કલેકટરે પાલિકા કક્ષાએ કરાતા આયોજન અંગે તમામ ચીફ ઓફિસરોને પણ સૂચન કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, નિવાસી અધિક કલેકટર સુધીર પટેલ અને જિલ્લા તથા તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.