કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની “ગુજરાત નઈ તાલીમ સંઘ"ના પ્રમુખ પદે વરણી
Live TV
-
ગુજરાતમાં ગાંધીજીના વિચારોને લઈને ચાલતી બુનિયાદી શૈક્ષણિક સંસ્થાઓનાં સંગઠન "ગુજરાત નઈ તાલીમ સંઘ"ના પ્રમુખ પદે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાની વરણી કરવામાં આવી છે. અમદાવાદમાં ગુજરાત વિદ્યાપીઠ ખાતે "નઈ તાલીમ સંઘ"ની સાધારણ સભા મળી હતી. જેમાં સર્વાનુમતે પ્રમુખ પદે મનસુખ માંડવિયાનાં નામને બહાલી આપવામાં આવી હતી.
ગુજરાતભરમાંથી બુનિયાદી શૈક્ષણિક સંસ્થાઓનાં પ્રતિનિધિઓ ગુજરાત વિદ્યાપીઠ ખાતે એકત્રિત થયા હતા. "નઈ તાલીમ સંઘ"ના પ્રમુખ પદેથી સંબોધન કરતા મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, બુનિયાદી શિક્ષણ એ માણસનાં ઘડતરનો પાયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જે કામો નથી થયા તે આઝાદી બાદ હવે થઇ રહ્યા છે. દેશની નવી શિક્ષણ નીતિમાં સમાવેશ કરાયેલા ઘણા મુદ્દા મૂળ તો બુનિયાદી શિક્ષણના જ છે. તેમણે ઉમેર્યું હતું કે, બુનિયાદી શિક્ષણ તેના પ્રચાર-પ્રસાર અને માર્કેટિંગ કરવામાં પાછળ રહ્યું છે. જેની આપણે આજથી શરૂઆત કરીશું. આ સંસ્થાઓમાં વિદેશથી પણ વિદ્યાર્થીઓ ભણવા આવે તેવું વાતાવરણ આપણે ઉભું કરીશું.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ છેલ્લા દસ વર્ષથી ભાવનગર જિલ્લાની અને અન્ય બુનિયાદી સંસ્થાઓમાં રસ લઈ તેનો વિકાસ કર્યો છે, જેની નોંધ લેતા પદ્મશ્રી અને પીઢ ગાંધીવાદી આગેવાન માલજી દેસાઈએ સરાહના કરી હતી. તેમણે કહ્યું હતું કે, આઝાદી પછી મોરારજીની સરકાર પછી આ બીજો પ્રસંગ છે કે કેન્દ્ર સરકારના પ્રધાન હોય અને "નઈ તાલીમ સંઘ"ના પ્રમુખ બન્યા હોય. આ પ્રસંગે લોકભારતી સણોસરાના ટ્રસ્ટી અરુણ દવેએ સ્વાગત પ્રવચનમાં મનસુખ માંડવિયા સાથેના સંસ્મરણોને વાગોળ્યા હતા તેમજ માંડવિયાએ છેલ્લા 20 વર્ષમાં જાહેર જીવનમાં યોજેલી બેટી બચાવો, શિક્ષણ અને ગાંધી વિચાર માટે કરેલી પદયાત્રાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. ગુજરાત વિદ્યાપીઠનાં કુલનાયક રાજેન્દ્ર ખીમાણીને પણ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું. તેમણે આગામી દિવસોમાં નઈ તાલીમ સંઘના નાના મોટા પ્રશ્નો ઉકેલવા પણ સરકારને અપીલ કરી હતી.
