ગાંધીનગરમાં સાબરમતી બે કાંઠે, સંત સરોવરના 10 દરવાજા ખોલવામાં આવ્યા
Live TV
-
10 ગામોના નાગરિકોને નદી કિનારે નહીં જવાની સૂચના
ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી પાણી છોડાતાં ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે થઈ છે. ગાંધીનગરના સંત સરોવર પાસે બુધવારે 17 ઓગસ્ટના રોજ રાત્રે 9:00 વાગ્યે 7,075 ક્યુસેક્સ પાણીની આવક થઈ છે. સંત સરોવરના 10 દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલીને 31,829 ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં અને મુખ્યત્વે સાબરમતી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો હોવાથી ગાંધીનગરમાં પાણીનો આવરો વધવાની સંભાવનાને પગલે સંત સરોવર અને હેઠવાસના વિસ્તારોમાં 10 ગામના લોકોને સાવચેતીના પગલાં તરીકે નદી કિનારે ના જવાની સૂચના ગાંધીનગર મામલતદાર તરફથી આપવામાં આવી છે.
બુધવારે 17 ઓગસ્ટના રોજ રાત્રે 9:00 વાગ્યે ધરોઈ બંધમાંથી 66,50 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહયું છે. ત્યાર પછી લાકરોડા બેરેજમાંથી 7,075 ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહયું છે. સંત સરોવરનું ફૂલ રિઝર્વૉયર લેવલ 55.50 મીટર છે. અત્યારે પાણીની આવક વધતા સંત સરોવરના 21 દરવાજામાંથી 10 દરવાજા ત્રણ ફૂટ જેટલા ખોલવામાં આવ્યા છે અને 31,829 ક્યુસેક્સ પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવી રહ્યું છે. ગાંધીનગર મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરફથી સંત સરોવર અને હેઠવાસના 10 ગામો; ઇન્દ્રોડા, શાહપુર, ધોળાકુવા, રાંદેસણ, રાયસણ, રતનપુર, વલાદ, જુના કોબા, કરાઈ અને નભોઈના નાગરિકો તથા તાલુકાના તમામ નાગરિકોને સંત સરોવર અને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે.
