ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સ્વાતંત્ર્ય પર્વની સાંજે 'એટ હૉમ' કાર્યક્રમ યોજાયો
Live TV
-
સ્વાતંત્ર્ય પર્વની સાંજે ગાંધીનગરમાં રાજભવનમાં 'એટ હૉમ' માં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકો સાથે શુભેચ્છાઓની આપ-લે કરી હતી.
રાજ્યના નાગરિકોને સંબોધતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, સમાજની પ્રત્યેક વ્યક્તિ પોતાનું કર્તવ્ય અને પોતાની ફરજ પ્રમાણિકતાથી, પૂરા પરિશ્રમથી નિભાવે એ જ આપણા ભારતને 'વિકસિત ભારત' બનાવવાનો માર્ગ છે. 'સૌના સાથ-સૌના વિકાસ'ની આ જ સાચી વિભાવના છે.
'એટ હૉમ' કાર્યક્રમ માત્ર એક ઔપચારિકતા ન બની રહે એ માટે સતત સજાગ અને પ્રયત્નશીલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંત્રીઓ, રાજનેતાઓ, ઉચ્ચ અધિકારીઓ અને સમાજના આગેવાન નાગરિકોની સાથે શ્રમયોગીઓને પણ આમંત્રણ આપ્યું હતું, સૈનિકો, સામાજિક કાર્યકરો, આરોગ્ય કર્મચારીઓ, રીક્ષા ચાલકો ઉપરાંત સફાઈ કર્મચારી, વણકર, ધોબી, કુંભાર, લુહાર, વાળંદ અને મોચી જેવા સાચા શ્રમયોગીઓને પણ રાજ્યપાલે 'એટ હૉમ'માં આમંત્રણ આપ્યું હતું. એટલું જ નહીં, રાજ્યપાલ અને મુખ્યમંત્રી આ શ્રમયોગીઓને મળ્યા હતા અને સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી.
'એટ હૉમ'ના ઉદબોધનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારતની આઝાદી માટે બલિદાન આપનારા વીર સપૂતોનું સ્મરણ કરીને તેમને શ્રદ્ધાંજલિ આપીએ. સાથોસાથ પ્રગતિ અને વિકાસનો નવો માર્ગ પ્રશસ્ત કરીએ. વિશ્વકલ્યાણના વિચાર સાથે ભારત પ્રગતિના પંથે છે. બધાની ઉન્નતિમાં જ આપણી ઉન્નતી છે, એવી સમજણ કેળવીને 'આખી દુનિયા આપણો પરિવાર છે' એ જ ભાવ આપણા દેશનું સાચું દર્શન છે.
આચાર્ય દેવવ્રતે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પ્રજાસત્તાક પર્વે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પ્રાકૃતિક કૃષિને પ્રાધાન્ય આપવાની વાત કરી છે. એ જ દર્શાવે છે કે, વર્તમાન સમયમાં પ્રાકૃતિક કૃષિ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પ્રાકૃતિક કૃષિને વિશેષ પ્રાધાન્ય આપવા બદલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો વિશેષ આભાર માન્યો હતો.
