'નારી વંદન ઉત્સવ'ના ભાગરૂપે આહવા ખાતે મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત સ્વરોજગાર મેળો યોજાયો
Live TV
-
મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના અંતર્ગત કીટ વિતરણ કરવામા આવી હતી
ડાંગ દરબાર હોલ આહવા ખાતે 'નારી વંદન ઉત્સવ''ના ભાગરૂપે ધારાસભ્ય વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સ્વરોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા અને બાળ કચેરી દ્વારા મહિલા સ્વાવલંબન દિવસ અંતર્ગત સ્વરોજગાર મેળો આયોજિત કરવામા આવ્યો હતો. મહિલા સ્વાવલંબન દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા મહિલાઓને રોજગાર પત્રો એનાયત કરવામાં આવ્યા હતા સાથે વ્હાલી દીકરીના પ્રમાણ પત્રો આપવામા આવ્યા હતા. મુખ્યમંત્રી માતૃ શક્તિ યોજના અંતર્ગત કીટ વિતરણ કરવામા આવી હતી. ગંગા સ્વરૂપા બહેનોનું સ્વાગત કરવામા આવ્યું હતું અને 'બેટી બચાવો બેટી પઢાવો' માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
ધારાસભ્ય વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહિલાઓ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. આજે દરેક વિભાગમાં મહિલાઓની ભાગીદારી જોવા મળે છે. ડાંગ જિલ્લામા દહેજના નહીવત્ કેસો જોવા મળે છે જે જિલ્લા માટે ગૌરવપૂર્ણ બાબત છે. અનેક સમાજો દીકરી બચાવવા આંદોલનો કરે છે, પરંતુ ડાંગનો આદિવાસી સમાજ દીકરી જન્મને વધાવી દીકરા સમાન દીકરીને મહત્વ આપે છે. ડાંગ જિલ્લાની દૂધમંડળીમા મહિલાઓનો મુખ્ય ફાળો રહ્યો છે. ડેરી ઉધોગના કારણે મહિલાઓ આત્મનિર્ભર બની છે. તેમણે સરકારની યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમા આહવા તાલુકા પંચાયત પ્રમુખ કમળાબેન રાઉત, મહિલા અને બાળ વિકાસ યુવા પ્રવૃત્તિ સમિતિના અધ્યક્ષ સારૂબેન વળવીએ પ્રસંગોચિત ઉદ્બોધન કરી દરેક ક્ષેત્રમાં મહિલાઓને આગળ આવવા આહ્વાન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા મેજિસ્ટ્રેટ ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારી ડો. વિપિન ગર્ગ, દહેજ પ્રતિબંધક અધિકારી સુનીલ સોરઠીયા, ચાઈલ્ડ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ ઓફિસર જીગ્નાષા ચૌધરી તેમજ અન્ય અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
