પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 18 જૂને કાલિકા માતાનાં નવનિર્મિત શિખર પર કરશે ધ્વજારોહણ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પંચમહાલ જિલ્લાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની મુલાકાત લેવા જઈ રહ્યા છે. સવારે 11:00 વાગ્યે પ્રધાનમંત્રી પાવાગઢ પહોંચશે જ્યાં શાસ્ત્રોક્ત વિધિનુસાર પૂજા-અર્ચન કર્યા બાદ પાવાગઢ મંદિરમાં પ્રધાનમંત્રીના હસ્તે ધ્વજારોહણ થશે.
પંદરમી સદીમાં પાવાગઢ ઉપર ચઢાઈ થયા બાદ 5 સદીથી મંદિરનું શિખર જર્જરિત થઈ ગયું હતું. આ શિખરને હવે નવા રંગરૂપ સાથે આધુનિક શૈલીથી તૈયાર કરવામાં આવ્યું છે. સૌપ્રથમ પાવાગઢ પહાડની ટોચ વિશાળ કરી મોટા પરિસરનો પાયો બનાવવામાં આવ્યો, ત્યારબાદ પરિસરના પહેલા તથા બીજા માળે આનુષંગિક સુવિધાઓ ઉભી કરવામાં આવી. માતાજીના ગર્ભગૃહમાં મૂળ સ્થાપન યથાવત્ રાખીને સંપૂર્ણ મંદિર નવું બનાવી મુખ્ય મંદિર અને ચોકને વિશાળ બનાવવામાં આવ્યો છે, જેના પર ધ્વજદંડક પુન:સ્થાપિત કરવામાં આવ્યો છે.
હાલ મંદિરમાં ભક્તોની સુવિધા માટે વિશ્રામગૃહ, પીવાનું શુદ્ધ પાણી, નવા અને સુવિધાસભર શૌચાલય સાથે જ સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરવામાં આવી છે. સાથે જ મંદિરનાં પહેલાનાં જૂના પગથિયાની જગ્યાએ મોટા અને સુવ્યવસ્થિત પગથિયાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. માંચીથી રોપ-વેના અપરસ્ટેશન સુધી 2200 પગથિયા અને અપરસ્ટેશનથી દૂધિયા તળાવ થઈને માતાજીના મંદિર સુધીના 500 પગથિયાનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, મંદિરનાં જીર્ણોદ્ધારનું કાર્ય અંદાજિત રૂ. 12 કરોડના ખર્ચે ટ્રસ્ટ દ્વારા સંપન્ન કરવામાં આવ્યું છે. તો મંદિર સિવાયના સમગ્ર સંકુલના વિકાસકામો માટે કરવામાં આવેલ અંદાજિત રૂ.125 કરોડના ખર્ચ પૈકી 70 ટકા ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ બોર્ડ દ્વારા અને 30 ટકા ખર્ચ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
આગામી સમયમાં યજ્ઞશાળા દૂધિયા તળાવ પાસે બૃહદ ભોજનશાળા અને પ્રવાસીઓના રાત્રિ રોકાણ માટેની ભક્તિનિવાસ સુવિધાઓ તેમજ છાસિયા તળાવ પાસેથી સીધી જ માતાજીના મંદિર સુધી પહોંચાડતી બે મોટી લિફ્ટ ઊભી કરવામાં આવશે. સાથે જ પાવાગઢ પર્વત પર માતાજીના મંદિરના સમગ્ર સંકુલની પ્રદક્ષિણા થાય એ રીતે દૂધિયા અને છાસિયા તળાવને જોડતો પ્રદક્ષિણાપથ તૈયાર કરવામાં આવશે. માંચી પાસે અતિથિગૃહ અને મલ્ટી લેવલ પાર્કિંગનું નિર્માણ કરવામાં આવશે. આજુબાજુમાં પર્વત પર વનવિભાગના સહયોગથી મોટાપાયે વૃક્ષારોપણનું આયોજન હાથ ધરાશે.
