રાજય સરકારે 81 તળાવોનાં વિકાસનાં કામ AMCને ફાળવવાનો મહત્વપૂર્ણ કર્યો નિર્ણય
Live TV
-
રાજય સરકારે અમદાવાદ મહાનગરમાં રાજ્ય સરકાર હસ્તકનાં ૮૧ તળાવોનાં વિકાસનાં કામ અમદાવાદ મહાનગરપાલિકાને ફાળવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલાં આ તળાવો મહાનગરપાલિકાને સોંપીને શહેરીજનોની સુખાકારીમાં વૃદ્ધિ થાય તેવો અભિગમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાખવ્યો છે. આ ૮૧ તળાવોમાં રામોલના ૧૧, વટવાના૧૦, વસ્ત્રાલના ૭, નારોલના ૫, રાણીપના ૩, નિકોલના ૩, ભાડજ અને હાથીજણના ૨-૨, તેમજ મોટેરા, ચાંદખેડા,લાંભા, ગોતા, મેમનગર, લક્ષ્મીપુરા, દાણીલીમડાના ૧-૧ તળાવોનો સમાવેશ થાય છે.
આ તળાવોની ફરતે વોક-વે, પ્લાન્ટેશન, ચિલ્ડ્રનપ્લે એરિયા, સિનિયર સિટીઝન બેઠક, ખેલ-કૂદનાસાધનો, તળાવ ફરતી પ્રોટેક્શન વોલ, ઈન-લેટ, આઉટલેટ ફરતે સ્ટોન પિચીંગ, પાર્કિંગ એરિયા, પેવર બ્લોક, ફ્લોટીંગ ફાઉન્ટેન, બાઉન્ડ્રી વોલ વગેરે કામો મહાનગરપાલિકા હાથ ધરશે. અમદાવાદ મહાનગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી મળતી ૧૫મા નાણાંપંચની ગ્રાન્ટ, અમૃત મિશન ગ્રાન્ટ તથા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ગ્રાન્ટ વગેરેમાંથી આ તળાવોનો વિકાસ કરવામાં આવશે. રાજ્ય સરકાર હસ્તકના અને અમદાવાદ મહાનગરપાલિકા હદ વિસ્તારના ૨૧ તળાવો સરકારે કોર્પોરેશનને વિકાસ માટે ફાળવેલા છે.
