રાજ્યમાં ભારે વરસાદને પરિણામે વરસાદી સ્થિતિની સમીક્ષા કરવા પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી ગાંધીનગરથી રાજકોટ જવા રવાના
Live TV
-
આવતી કાલે મંત્રી વાઘાણી ભાવનગરના પ્રભારી મંત્રી કિરીટસિંહ રાણા સાથે સમીક્ષા બેઠક યોજીને ભાવનગર વહીવટી તંત્ર સાથે પણ પરિસ્થિતિનો તાગ મેળવી જરૂરી માર્ગદર્શન આપશે.
રાજ્યમાં થયેલા ભારે વરસાદને પરિણામે રાજકોટ શહેર તથા રાજકોટ જિલ્લાની સ્થિતિની સમીક્ષા કરવા તથા સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવા પ્રભારી મંત્રી જીતુભાઇ વાઘાણી ગાંધીનગરથી રાજકોટ જવા રવાના થયા છે. રાજકોટ શહેર અને જિલ્લા વિસ્તારની પરિસ્થિતિ અંગે જિલ્લા કલેકટર તથા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તેમજ જિલ્લાના સંબંધિત ખાતાઓના વડા સાથે સમીક્ષા બેઠક યોજી જિલ્લા સ્તરેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તાલુકા કક્ષાના અધિકારીઓ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજશે અને સ્થિતિની સમીક્ષા કરી મંત્રી વાઘાણી આગોતરી તૈયારી માટે જરૂરી માર્ગદર્શન પૂરું પડશે.
રાજકોટમાં જરૂર જણાય તો નીચાણ વાળા વિસ્તારમાં તથા કાચા મકાનમાં રહેતા નાગરિકોના સલામત સ્થળાંતર અને તેમની ભોજન-આરોગ્ય સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા તથા સ્થળાંતર સહીત અન્ય સુરક્ષાત્મક પગલા ત્વરીત લઈ શકાય તે સહિતની વ્યવસ્થા માટે તથા તંત્રને સુસજ્જ રહેવા મંત્રી જરૂરી સૂચનાઓ આપશે.
આગામી બે દિવસ ગુજરાતમાં હજુ ભારે વરસાદની હવામાન વિભાગે વ્યક્ત કરેલી આગાહીને પગલે આવતી કાલે મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ભાવનગરની મુલાકાતે જશે અને ભાવનગરના પ્રભારી મંત્રી શ્રી કિરીટસિંહ રાણા સાથે સમીક્ષા બેઠક યોજીને ભાવનગર વહીવટી તંત્ર સાથે પણ ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લાની પરિસ્થિતિનો તાગ મેળવશે તેમજ જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે.
